Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કુંવરજીભાઈની જેમ જવાહર ચાવડાને પણ પક્ષપલ્ટો ફળ્યોઃ ભાજપમાં જોડાતાની સાથે જ પ્રધાન પદ

ગુજરાતના રાજકારણમાં નવો ટ્રેન્ડઃ ધારાસભ્યોની સત્તા ભૂખને કારણે પ્રજા માથે પેટાચૂંટણીનો જંગી ખર્ચઃ ભાજપના કેટલાય સિનીયર ધારાસભ્યો રાહ જોતા રહી ગયા અને નવા આવેલા ફાવી ગયા

રાજકોટ, તા. ૯ :. ગુજરાતના રાજકારણમાં વિપક્ષમાંથી પક્ષપલ્ટો કરાવીને તુરંત મંત્રી પદ આપવાનો ભાજપે શરૂ કરેલો નવો ટ્રેન્ડ સેટ થઈ ગયો હોય તેવુ લાગે છે. કોંગ્રેસને ધક્કો મારીને ભાજપનો પાલવ પકડયા પછી ગણતરીની કલાકોમાં પ્રધાન પદ મેળવનાર જવાહર ચાવડા બીજા અગ્રણી છે. આ અગાઉ કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તેમને મંત્રી પદ અપાયું હતું.

ડીસેમ્બર ૨૦૧૭ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ અને કોેંગ્રેસને ૭૭ બેઠકો મળેલ. ૬ બેઠકો અન્ય પક્ષના ફાળે ગઈ હતી. જુલાઈ ૨૦૧૮માં ભાજપે કોંગ્રેસમાંથી કુંવરજીભાઈને ખેંચીને એ જ દિવસે કેબીનેટ મંત્રી બનાવ્યા હતા. ત્યાર બાદ ડીસેમ્બર ૨૦૧૮ની પેટા ચૂંટણીમાં પોતાના જ રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર તેઓ વિજેતા બનતા મંત્રી પદ જળવાઈ રહ્યુ છે. આ જ ઈતિહાસનું પુનરાવર્તન જવાહર ચાવડાની બાબતમાં થઈ રહ્યુ છે. તેમણે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપેલ અને આજે ભાજપ સરકારમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો આશાબેન પટેલ અને પરસોતમ સાબરીયાએ પણ રાજીનામુ આપી દીધુ છે. આજની સ્થિતિએ ગુજરાતમાં ધારાસભાની ૩ બેઠકો ઉંઝા, માણાવદર અને હળવદમાં પેટાચૂંટણી આવવા પાત્ર થઈ છે. હજુ વધુ કોઈ ધારાસભ્ય રાજીનામુ આપે તો વધુ પેટાચૂંટણી આવશે.

જે પક્ષના નામથી ચૂંટાયા હોય તે જ પક્ષ સાથે અધવચ્ચે છેડો ફાડી શાસક પક્ષમાં જોડાવાથી જે તે ધારાસભ્યને વ્યકિતગત ફાયદો થતો હશે. પક્ષપલ્ટાને પ્રજા કલ્યાણ માટેનો ગણાવવાનો રસ્તો ખુલ્લો હોય છે પરંતુ તેના કારણે પ્રજા માથે આવનાર પેટાચૂંટણીના જંગી ખર્ચને અને તંત્રની મહેનતને ટાળી શકાય નહિં. ભાજપે વિપક્ષી ધારાસભ્યોને જુદી જુદી પદ્ધતિથી પોતાના પક્ષમાં ખેંચીને સત્તાની સવારી કરાવવાનો માર્ગ અપનાવ્યો છે તેનાથી ભાજપને ટૂંકાગાળાનો ફાયદો દેખાય છે પરંતુ લાંબાગાળે શું થાય છે ? તે તો સમય જ બતાવશે.

(12:05 pm IST)