Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ રાજીનામું આપ્યું

જવાહર ચાવડાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો : લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનું સંખ્યાબળ ધીરેધીરે ઘટી રહ્યું છે : કોંગ્રેસની છાવણીમાં ફેલાયેલું ચિંતાનું મોજુ

અમદાવાદ,તા. ૮ : લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યો છે. હાલ કોંગ્રેસના અલ્પેશ ઠાકોર સહિત ચારથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની અટકળો તેજ બની હતી ત્યારે આજે અચાનક અલ્પેશના બદલે ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહી, કોંગ્રેસનો છેડો ફાડી જવાહર ચાવડાએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. એટલું જ નહી, જવાહરચાવડાએ કમલમ પહોંચીને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હાથે મીઠાઈ ખાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જવાહરને કેબિનેટમંત્રી પદ મળે એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં રોજ નવો ઘટનાક્રમ સર્જાઇ રહ્યો છે, જેને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ ડો. રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપે અલ્પેશનો વિકલ્પ શોધી લીધો છે. આહિર સમાજમાં વર્ચસ્વ ધરાવતાં જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. સૌરાષ્ટ્રમાં આહિર સમાજનું પ્રભુત્વ છે. જવાહર ચાવડાએ પિતા પેથલજી ચાવડાનો રાજકીય વારસો સંભાળ્યો છે. પેથલજી ચાવડા વર્ષો સુધી માણાવદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જવાહર ચાવડા વર્ષ ૧૯૯૦માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭માં પણ ધારાસભાની ચૂંટણી જીતીને ૪થીવાર ધારાસભ્ય બન્યા હતા. ૨૦૧૭માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી. કોંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્યો તૂટતાં અને બધા ભાજપમાં જઇને જોડાઇ જતાં હવે કોંગ્રેસ પાસે હવે ૭૩ ધારાસભ્ય જ રહ્યા છે. તો, ત્રણ બેઠકો ખાલી પડી છે. સને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો જીતી હતી. આ પહેલા કુંવરજી બાવળિયા અને ડૉ. આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસની સભ્ય સંખ્યા ૭૫ પર આવી હતી. ત્યાર બાદ ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરતા અને જવાહરે રાજીનામું આપતા વિધાનસભામાં હવે કોંગ્રેસના ૭૩ ધારાસભ્ય જ રહ્યા છે.

હાલ ઉંઝા, તલાલા અને માણાવદર બેઠક ખાલી પડી છે. હાલ વિધાનસભામાં ભાજપના ૧૦૦, કોંગ્રેસ ૭૩, એનસીપીને ૧, બીટીપી ૨ અને અપક્ષ ૩ સહિત ૧૭૯ ધારાસભ્યો રહ્યા છે. જો કે, જવાહર ચાવડાના રાજીનામાને પગલે અને એક પછી એક ધારાસભ્યો ઓછા થતાં જતાં લોકસભા ચૂંટણી પહેલાં ખાસ કરીને તા.૧૨મી માર્ચે જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી માટે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસની છાવણીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો ભાજપની છાવણી ગેલમાં આવી ગઇ છે.

(7:32 pm IST)