Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમદાવાદમાં મહિલા દિવસે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ છોભીલા પડ્યાઃ છારા વિસ્‍તારમાં બહેનોને દારૂ નહીં વેચવા સમજાવતા એક મહિલાએ દારૂ તો વેંચશુ તેવું સરાજાહેર કહ્યુંઃ પોલીસ હવે કડક કાર્યવાહી કરશે

અમદાવાદ: આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન નિમિતે અમદાવાદના ખારા વિસ્‍તારમાં પોલીસ દ્વારા સામાજિક સુધારણા માટેનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પોલીસ અધિકારીઓ બહેનોને દારૂનું વેચાણ છોડી દેવા સમજાવ્યા હતાં અને વિનંતી કરી હતી. પરંતુ બેથી ત્રણ મહિલાઓ પોતે દારૂ વેચવાનું બંધ નહીં કરે તેવું સરાજાહેર બોલવા માંડતા પરિસ્‍થિતિ કાબુ બહાર જાય તેવી સ્‍થિતિ સર્જાઇ હતી. આથી, અધિકારી છોભીલા પડી ત્‍યાંથી ચાલતી પકડી હતી.

આ કાર્યક્રમમાં સ્થિતિ નિયંત્રણ બહાર જવાની શંકા થતા જ સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશ્નર અશોક યાદવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મીડિયા સાથે વાતચીત કર્યા વગર કાર્યક્રમ સ્થળેથી રવાના થઈ ગયા.

યાદવે પોતાની સ્પીચમાં દારુના કારણ કેટલાય પરિવાર બરબાદ થયા હોવાનું જણાવ્યું. અને મહિલાઓને સરદારનગરના છારાનગરમાં ગેરકાયદે દારુનો ધંધો બંધ કરવા વિનંતી કરી.

યાદવે ચેતવણી પણ આપી કે દારુ ગાળવાની કે દારુના વેચાણ સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિને પોલીસ છોડશે નહીં. યાદવે પોલીસને પણ દારુ વેચનાર સામે કડક પગલાં લેવાની સૂચના આપી તેમ એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું.

જો કે જેવી જ યાદવે સ્પીચ પૂરી કરી કે તરત જ મહિલાઓ ઊભી થઈ અને દારુનું વેચાણ ચાલુ રાખશે તેવી બૂમો પાડવા લાગી. સ્થિતિને જોતાં તમામ પોલીસ અધિકારીઓને સ્થળ છોડી જવું પડ્યું.

ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ”ફક્ત એક-બે મહિલાઓએ દારુ વેચવાની વાત કરી, પરંતુ ત્યાં રહેલા તમામે મહિલાઓની વાતને સમર્થન આપ્યું. થોડા સમય બાદ કેટલાંકે દારુ વેચવાનું બંધ નહીં જ કરે તેમ કહ્યું.દારુ વેચનારા તમામ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવો મત પોલીસ અધિકારીએ વ્યક્ત કર્યો.

(4:58 pm IST)