Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

બાળપણમાં ખેત મજૂરી કરીને આઇપીઅેસ સુધીની સફર ખેડનાર સરોજ કુમારી અનેક યુવતિઓ માટે પ્રેરણાસ્‍ત્રોત

વડોદરાઃ સુરતમાં હાલમાં અેઅેસપી તરીકે ફરજ બજાવી રહેલા આઇપીઅેસ ઓફિસર સરોજ કુમારીઅે બચપણથી આઇપીઅેસ બનવા સુધીની અત્‍યંત કઠીન સફર ખેડી છે, જે અનેક યુવતિઓ માટે પ્રેરણા સમાન છે.

સરોજ કુમારી નાનપણમાં માતા-પિતા સાથે રાજસ્થાનના એક ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતાં હતાં અને જેમ જેમ તેઓ મોટાં થતાં ગયાં પાડોશીઓ તેમના માતા-પિતાને સરોજ કુમારીના લગ્ન બાબતે ટોણો મારવા લાગ્યા હતા. પણ દાયકા બાદ આઇપીએસ સરોજ કુમારી ઝુનઝુનુ જિલ્લામાં આવેલા પોતાના ગામ બુદાનિયામાં પરત ફર્યાં, એક સમયે ટોણો મારતા ગ્રામજનોએ આ વખતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ગુજરાતના ૨૦૧૧ની બેચના IPS અધિકારી સુ.શ્રી. સરોજ કુમારી હાલ સુરત (રૂરલ)ના ASP તરીકે ફરજ બજાવી રહ્યા છે.

એક અખબાર સાથેની વાતચીત દરમિયાન સરોજ કુમારીએ કહ્યું હતું કે, “મારી આકરી મહેનત અને સ્ટ્રગલ માટે મેં જે કિંમત ચૂકવી તેની સૌથી સંતોષજનક એ ક્ષણ હતી.પણ એ માત્ર ખુશામત નહતી. મારી સિદ્ધિ વિશે સાંભળતાં જ બાળપણમાં મારા પ્રત્યે ગ્રામજનોનો એટિટ્યુડ હતો તેમાં ઘણો બદલાવ થયો. હવે મારા ગામમાં માતા-પિતાએ તેમના સંતાનોને ભણવા મોકલવાનું શરૂ કરી દીધું છે. કેટલીય છોકરીઓને પ્રેરણા પૂરી પાડી શકી તે માટે હું બહુ ખુશ છું.

સરોજ કુમારી 3 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા આર્મીમાંથી રિટાયર થયા જે બાદ સરોજ કુમારીનો સફર એટલો સહેલો નહોતો. ભરણપોષણ માટે તેમણે ખેતર અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરવાનું શરૂ કર્યું.હું અને મારા ત્રણ ભાઇ તેમને મદદ કરતા. એ અઘરો સમય હતો, અને 10મા ધોરણમાં પહોંચી ત્યાં સુધીમાં તો મોટા ભાગની છોકરીઓના લગ્ન થઇ જતા હતા. લગ્ન માટે જબરદસ્ત દબાણ હતું પણ હંમેશા મારા પેરેન્ટ્સ મારી પડખે ઉભા રહ્યાં. મારા મમ્મીને પુરો વિશ્વાસ હતો કે એક દિવસ હું ઑફિસર જરૂર બનીશ.” 2010માં UPSCની પરીક્ષા આપતા પહેલાં ગ્રેજ્યુએશન માટે 2001માં સરોજ કુમારી જયપુર શિફ્ટ થયાં અને બાદમાં ચૂરુ સ્થિત સરકારી કોલેજમાંથી સોશિયોલોજી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમફીલ કર્યું.

પહેલાથી જ IPS ઑફિસર બનવાની ચાહ હતી કે નહીં પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, “કિરણ બેદી વિશે મેં ઘણુ બધું વાંચ્યું હતું અને હંમેશા તેમના જેવી જ બનવા ઇચ્છતી હતી. UPSCમાં પાસ થયા બાદ IPS બનવું જ મારી પ્રાથમિકતા હતી. હું હજુ કિરણ બેદીની પ્રસંશક છું.બોટાદમાં SP તરીકે પોસ્ટિંગ થયા બાદ સરોજ કુમારીએ સેક્સ વર્કર્સના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ કર્યો જેના માટે તેમની બહુ પ્રસંશા થઇ હતી. ઉપરાંત અભિયાન અંતર્ગત માઉન્ટ એવરેસ્ટ ગયેલી ટીમનો સરોજ કુમારી ભાગ બન્યાં હતાં.

સરોજ કુમારીના પરિવારે ગામમાં મૃત્યુભોજનો ટ્રેન્ડ ખતમ કર્યો અને માત્ર 1 રૂપિયાના ખર્ચે તેમના ભાઇના લગ્ન કરાવ્યાં હતાં. સરોજ કુમારીએ કહ્યું કે, “મારા મમ્મી-પપ્પા મારી જોડે જ રહે છે અને હું તેમની સારસંભાળ લઇ રહી છું. ગર્લ્સને એક જ સંદેશ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં ડરવું નહીં અને તમારા સપનાઓને સાકાર કરવા તનતોડ મહેનત શરૂ કરી દો.

(5:39 pm IST)