Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષીનું જિલ્લામાં આગમન : કાર્યભાર સંભાળ્યો

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાથે ચૂંટણીલક્ષી જરૂરી બાબતો અંગે કરેલો વિચાર-વિમર્શ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા  સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, (SVPRET) ના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે જોષીએ આજે રાજપીપલા ખાતે આવી પહોંચીને તેમનો ચૂંટણી નિરીક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.
   એસ.જે.જોષીએ આજે રાજપીપલા ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. વ્યાસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાથે બેઠક યોજીને જિલ્લા - તાલુકા પંચાયત અને નગર પાલિકાના ચૂંટણી અધિકારીઓની વિગત,ચૂંટણીલક્ષી તાલીમ વ્યવસ્થા, ચૂંટણી ફરજ પરનો સ્ટાફ, ઇ-વી.એમ. વ્યવસ્થા, ચૂંટણીલક્ષી સામગ્રી, મતદાન મથકોની વિગતો, ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની તેમજ ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરવા અંગેની કામગીરી તથા પોલીસ બંદોબસ્ત સહિત કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો અંગે જરૂરી વિચાર-વિમર્શ કરી આંકડાકીય વિગતો મેળવી હતી.

(10:24 pm IST)