Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સુરતના પાંડેસરામાં કાપડના કારખાનેદાર પાસેથી 32.54 લાખની મતાનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના પાંડેસરાના પ્રમુખ પાર્કના કાપડના કારખાનેદાર પાસેથી 32.54 લાખની મત્તાનું કાપડ ખરીદી પેમેન્ટ માટે વાયદા કરી રાતોરાત ધંધો બંધ કરી ભુગર્ભમાં ઉતરી જનાર દંપતી સહિત ત્રણ પૈકી એકની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે.

પાંડેસરાના પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા શ્રીરામ એસ્ટેટમાં પરિવારના સભ્યોના નામે જય લક્ષ્મી ટેક્સટાઇલ, સાંઇ લક્ષ્મી ટેક્સટાઇલ, માં લક્ષ્મી ટેક્સટાઇલ અને માં લક્ષ્મી ટેક્સટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા તેજસ દશરથ પટેલ (.. 32 રહે. 42, મહાવીર નગર, અલથાણ) ના પિતરાઇ કૌશિક પટેલ હસ્તક તિમીર મહેન્દ્ર પટેલ (રહે. હર્ષ બંગ્લો, ડીંડોલી) સાથે વર્ષ 2019માં ઓળખાણ થઇ હતી. તિમીરે પોતે ભાઇ વિપુલ સાથે ભાગીદારીમાં ભાભી પાયલ વિપુલ પટેલના નામે જૈવાલ એન્ટરપ્રાઇઝ નામે કાપડનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં તિમીરે ખરીદેલા કાપડનું સમયસર પેમેન્ટ ચુકવ્યું હતું.

પરંતુ ત્યાર બાદ મે થી સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ 32.54 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા હતા. ઉપરાંત રાતોરાત જૈવાલ એન્ટરપ્રાઇઝ પેઢી બંધ કરી દીધી હતી અને મોબાઇલ પણ બંધ કરી દીધા હતા. જેથી તેજસ પટેલે તિમીર મહેન્દ્ર પટેલ અને વિપુલ જેન્તી પટેલ તથા પાયલબેન વિપુલ પટેલ (બંને રહે. સી 401, વૃંદાવન હાઇટ્સ, મિલેનીયમ પાર્કની બાજુમાં, ડીંડોલી) વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદ અંતર્ગત પોલીસે તિમીરની ધરપકડ કરી છે.

(5:10 pm IST)