Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

પંચમહાલના ગોધરામાં બેફામ બુલેટ ચલાવનારા સામે કાર્યવાહીઃ લાઉડ સાયલેન્‍સર નખાવીને વાહન ચલાવનારાની શાન ઠેકાણે લવાઇઃ 21 બુલેટ ડિટેઇન

અમદાવાદ: બુલેટ પર રોફ જમાવતા રોમિયોને હવે સાવધાન રહેવાની જરૂર છે. બુલેટનું ઓરિજનલ સાયલેન્સર કઢાવીને વધારે કરતું લાઉડ સાયલેન્સર નખાવીને રોલો પાડતા નબીરાઓ સાવધાન થઈ જાય. ગુજરાતમાં સાયલેન્સર મોડીફાઈડ કરાવીને બુલેટ ચલાવતા નબીરાઓ પર પોલીસે સ્ટ્રાઈકની શરૂઆત કરી દીધી છે. આ શરૂઆત પંચમહાલના ગોધરાથી થઈ છે. ગોધરાના એડવોકેટ રમજાની જૂજારાએ એક મહિના અગાઉ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુને રજૂઆત કરી હતી કે આવા નબીરાઓનાં બુલેટ ડીટેન કરીને તેમનાં સાયલેન્સર કાઢી લેવામાં આવે. લાઉડ સાયલેન્સરથી નાનાં બાળકોને કાયમી બહેરાશ આવી શકે છે. આવા નબીરાઓ તેમની ધાક જમાવવા માટે ઊંચા અવાજે બુલેટ ચલાવે છે અને સ્પીડમાં ચલાવે છે. તેમની સામે ફોજદારી પગલાં ભરવા અને દંડનીય કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને ભલામણ કરી હતી કે, બુલેટ લઈને નીકળતા અને ન્યૂસન્સ ફેલાવતા શખ્સો સામે કઠોર કાર્યવાહી કરવામાં આવે. તેના પછી પંચમહાલના ગોધરામાં આ પહેલી કાર્યવાહી થઈ છે. ગોધરા પોલીસે બેફામ રીતે બુલેટ ચલાવતા 21 બુલેટ ચાલકોને પકડીને તેમનાં બુલેટ જપ્ત કરી લીધાં છે. તમામ નબીરાઓને RTO વિભાગે મેમો આપ્યા છે.

ગોધરા શહેર ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે. ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 21 બુલેટ બાઈક ડિટેઇન કરાયા છે. ગોધરાના એડવોકેટ રમજાની જૂજારાએ એક માસ અગાઉ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને આ અંગે લેખિત રજુઆત કરી હતી. સરકારના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. બુલેટમાં સાયલેન્સર બદલી અવાજ કરવાનો કીમિયો બહુ જ જૂનો છે. તેથી ગોધરામાં 21 બુલેટ ચાલકોને આરટીઓના મેમો આપ્યો છે.

રસ્તા પર અનેકવાર મોટા અવાજ બુલેટ લઈને નીકળતા બાઈક સવાર તમે જોયા હશે. જેમની બુલેટના ઘોંઘાટથી કાન ફાટી જાય. જ્યાં સુધી બુલેટ દૂર ન જાય ત્યાં સુધી કાનમાં ત્રાહિમામ થઈ જાય છે. પરંતુ હવે રાજ્યમાં આવા બુલેટસવારો માટે નિયમ આવ્યો છે. મોટા અવાજ સાથે ફરતા બુલેટ સામે કાર્યવાહી કરવાની રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ પત્ર લખી ગૃહ વિભાગ સમક્ષ માંગણી કરી હતી. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને આ માંગણી કરી હતી. જેના બાદ હવે પગલા લેવાની શરૂઆત થઈ છે.

વાહન વ્યવહાર મંત્રી દ્વારા સ્પષ્ટ જણાવ્યું હતું કે, કેટલાક લોકો બુલેટને સ્પીડમાં ભારે અવાજ સાથે નીકળતા પોતાનો પ્રભાવ પાડવાના મલિન ઇરાદાથી આ કૃત્ય કરતા હોય છે. તેઓ બુલેટથી એટલો મોટો અવાજ કરે છે કે, નાના બાળકોને કાયમી બહેરાશની તકલીફ થઈ શકે છે. તો કોઈ માટે પણ આ અવાજ જોખમી સાબિત થઈ શકે છે. આવામાં કાનના પડદા પર અસર પડી શકે છે. આસપાસ કોઈ દર્દી હોય તો તેને પણ તેની અસર પહોંચી શકે છે. મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે. ડ્રાઇવિંગ ઉપરથી કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત પણ થતો હોય છે. આમ આ પ્રકારે નીકળતાં વાહનચાલકો સામે ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી કરવાનો આદેશ મંત્રી દ્વારા કરાયો છે.

આવા વાહનચાલકો સામે પગલાં ભરવામાં આવે તેવા આદેશ કૃષિ ગ્રામ વિકાસ વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી કમિશ્નરને કર્યાં છે. બુલેટ લઇને નીકળતાં અને સાયલેન્સરનો અવાજ બંધ કરાવવામાં આવે તે માટેની રજુઆત ગાંધીનગરના જાગૃત નાગરિકો દ્વારા પણ કરવામાં આવી હતી.

(4:37 pm IST)