Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કોંગ્રેસમાં મહાકકળાટઃ તામ્રધ્વજને મારતે ઘોડે દોડાવ્યા

સાહુએ કહ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક કરીશું: નારાજગી મામલે ચર્ચા કરીશું : 'પૈસા આપી ટિકીટ વ્હેચવામાં આવે છે' આ મુદે ગંભીર ચર્ચા કરાશેઃ સાચી હકીકત બહાર આવવી જરુરી

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસમાં કકળાટનો દૌર યથાવત રહેતા ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યા છે. ચૂંટણી સમયે સપાટી પર આવેલા કકળાટને ડામવા હાઈકમાંડે ચૂંટણી ઇન્ચાર્જને દોડાવ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી, સંગઠનમાં કકળાટ અને રોજ પડતા રાજીનામાંના પગલે સાહુ ગુજરાતમાં દોડી આવ્યા છે. જો કે ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પાછું ખેંચી લીધુ છે.

 અગાઉ પણ તેઓ ગુજરાત આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીઓ છે તેની ચર્ચા કરવા આવ્યા છીએ. ગુજરાત  પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક કરીશું, બાદમાં  પ્રચાર હાથ ધરવામાં આવશે. મોટી પાર્ટી છે કોંગ્રેસ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મહત્વ છે. ટિકિટ તમામને નથી મળતી. નારાજગી વ્યકત કરવાથી કઈ મળતું નથી.

 તેમણે જણાવ્યું હતું કે, ક્યાંય ચૂક થઈ હોય તો વર્તમાનમાં સુધાર કરવાની જરૂર હોય છે. ચૂંટણીઓ આગામી ૫ વર્ષમાં ફરી આવે છે. નારાજગીઓ મામલે ચર્ચા કરીશું, આનો ઉકેલ લાવવો જરૂરી છે. ટિકિટ પૈસા આપીને વહેંચાવમાં આવે છે તે મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવશે.આ હકીકત સામે આવવી જરૂરી છે. 

(4:07 pm IST)