Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ગુજરાતમાં ચીનમાંથી પરત ફરેલા લોકો નિરીક્ષણ હેઠળ

અમદાવાદ સિવિલમાં કોરોના વાયરસના ટેસ્ટ શરૂ : ચીનથી પરત ફરેલા ૧૦૪૪ યાત્રીની ઓળખ થઇ : ૪૧૧ યાત્રીઓએ નિરીક્ષણની ૧૪ દિનની અવધિ પૂર્ણ કરી છે

અમદાવાદ, તા. ૯ : ચીનમાં કોરોના વાયરસનો આતંક જારી છે ત્યારે ગુજરાતમાં પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ચીનમાંથી પરત ફરેલા લોકોને બાજનજર હેઠળ રાખવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથીગ્રસ્ત ચીનથી પરત ફરેલા લોકો પૈકી ૬૩૩ લોકો હજુ પણ બાજનજર હેઠળ છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ હજુ સુધી ગુજરાતમાં ચીનથી પરત ફરેલા ૧૦૪૪ યાત્રીઓની ઓળખ કરવામાં આવી ચુકી છે. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આમાથી ૪૧૧ યાત્રીઓએ ૧૪ દિવસની નિરીક્ષણની અવધિ પૂર્ણ કરી લીધી છે. આ લોકોમાં કોરોના વાયરસના કોઇપણ લક્ષણ દેખાયા નથી. આરોગ્ય વિભાગના કહેવા મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દી, જીએમઇઆરએસ-હિંમતનગર તેમજ સુરતના સ્મીમેર હોસ્પિટલમાં દાખલ એક-એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટિવ રહ્યા છે.

             હજુ સુધી ૧૬ નમૂના પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે જે પૈકી નવ નમૂનાના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા છે જ્યારે સાત સેમ્પલોના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. આ ૧૬ નમૂનામાં પાંચ અમદાવાદ શહેર, ત્રણ સુરત, બ ેજામનગર, એક વડોદરા શહેરની સાથે સાથે સાબરકાંઠા જિલ્લાના બે, મહેસાણા, રાજકોટ અને નવસારીના એક-એક નમૂના સામેલ છે. દરમિયાન કોરોના વાયરસથી ઇન્ફેક્શન ગ્રસ્ત નમૂનાની ચકાસણી માટે અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં તપાસની શરૂઆત કરવામાં આવી છે. એનઆઈવી પુણે તથા મુંબઈ માટે સેમ્પલ મોકલવાનો સમય આનાથી બચાવી શકાશે. બીજે મેડિકલના માઇક્રો બાયોલોજી વિભાગના ડોક્ટર કનુ પટેલના કહેવા મુજબ ગુજરાતમાં આ પ્રથમ લેબ છે જેમાં કોરોના વાયરસના નમૂનાની તપાસ થનાર છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસ માટે બેઝ હોસ્પિટલ રહેશે.

(9:24 pm IST)