Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ચૂંટણી : કોંગ્રેસ કારોબારીની બેઠક ગુજરાતમાં પણ મળશે

લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસની તૈયારી શરૂ : રાહુલ ગાંધીએ તમામ રાજયોના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની સાથે બેઠક કરી : ગુજરાતમાં ચૂંટણી ઢંઢેરા કમિટિની બેઠક

અમદાવાદ,તા.૯ :  લોકસભા ૨૦૧૯ની મહત્વની અને પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઇ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના તમામ રાજયોના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો અને વિપક્ષના નેતાઓ સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સાથે નવી દિલ્હી ખાતે ખૂબ જ અગત્યની બેઠક યોજી હતી અને લોકસભાની ચૂંટણીને લઇ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરી જરૂરી સૂચનાઓ જારી કરી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ખાસ હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઇ આ વખતે કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક ગુજરાતમાં રાખવા અંગેની તેમની માંગણી કોંગી હાઇકમાન્ડે ગ્રાહ્ય રાખી હતી. જેને પગલે કોંગ્રેસની આગામી વર્કીંગ કમીટીની બેઠક ગુજરાતમાં યોજાશે, જેને લઇ ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે. તો, ગુજરાતમાં આજે કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિ અને કેમ્પેઇન કમીટીની બેઠકો મળી હતી. ચૂંટણી ઢંઢેરાની સમિતિની બેઠક ચેરમેન મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લઇ કેન્દ્ર સરકાર ગુજરાત માટે શું કરી શકે એમ છે અને ગુજરાતમાં પ્રજાજોની શિક્ષણ, રોજગાર, પીવાના પાણી, આરોગ્યવિષયક, ખેડૂતો, આદિવાસીઓ, લઘુઉદ્યોગ સહિતના અનેકવિધ મુદ્દે શું વ્યથા અને માંગણી છે તેને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવાનો પ્રયાસ કરાશે અને પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટેની તત્પરતા દાખવાશે.જો કે, ચૂંટણી ઢંઢેરા સમિતિની આ બેઠકમાં કાંેંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ગેરહાજરી સૂચક રહી હતી. બીજીબાજુ, લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસની કેમ્પેઇન કમીટીની બેઠક આજે ચેરમેન સિધ્ધાર્થ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. અમદાવાદમાં કોંગ્રેસનો સંવિધાન બચાવો દેશ બચાવો કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતા કુમારી શૈલજા પણ હજાર રહેશે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ ૫૦૦ સભાઓનું આયોજન કરી રહી છે તેવું સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું. એક વિધાનસભા દીઠ ત્રણ જાહેર સભાનું આયોજન કોંગ્રેસ કરશે. મહિલા, યુવાનો માટે કોંગ્રેસ વિશેષ કાર્યક્રમ યોજશે. લોકસભાની ચૂંટણી લઇ ઘડાયેલી રણનીતિનો આગામી દિવસોમાં અમલ પણ થશે. કોંગ્રેસ કેમ્પઇન કમિટી પ્રથમ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, લોકસભા ચૂંટણીમાં ૪૦થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભા અને પ્રચાર માટે બોલાવાશે. આ માટે પ્રિયંકા ગાંધીને પણ મહિલા સંમેલનમાં હાજર રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલોટ, નવજોતસિંહ સિંધુ, કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધે તેવો પ્રસ્તાવ મૂક્વામાં આવ્યો છે. તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસનું આયોજન ચાલી રહ્યું છે.

(9:26 pm IST)