Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સંતો-મહંતોના આશીર્વાદથી ગુજરાતની ભૂમિ પવિત્ર બની

નડિયાદ સંતરામ મંદિરમાં માનસ સેવા કથા : સંતરામ મંદિર સમગ્ર વિશ્વમાં એક આદર્શ શ્રદ્ધાનું પ્રતિક હોવાનો મુખ્યમંત્રીનો દાવો : બાબા રામદેવ પણ ઉપસ્થિત

અમદાવાદ,તા.૯ :  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, સંતો-મહંતોના આશીર્વાદ અને તપથી ગુજરાતની ભૂમિ પાવન અને પ્રતિષ્ઠિત છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ.પૂ.યોગીરાજ અવધૂત, પૂ.સંતરામ મહારાજે વર્ષોથી નાત-જાતના ભેદભાવ વગર જીવ માત્રની સેવા કરી જનસેવાનો યજ્ઞ આરંભ્યો છે, તેને કારણે સંતરામ મંદિર આજે સમગ્ર વિશ્વમાં આદર શ્રધ્ધા નું પ્રતિક છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નડિયાદ ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૮૮ મા સમાધિ મહોત્સવ તથા પૂ. લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધ સમાધિ મહોત્સવ નિમિતે મહંત  રામદાસજી મહારાજની નિશ્રામાં યોજાયેલ સુપ્રસિધ્ધજ રામ કથાકાર પૂ.મોરારીબાપુની માનસ સેવા ધર્મ કથામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તી સંતરામ સૌરભ આઠમી આવૃતિનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સંતરામ મંદિર ખાતે પૂ.રામદાસજી મહારાજ, પૂ.મોરારિ બાપુ, યોગ ગુરૂશ્રી રામદેવજી મહારાજના આશીર્વાદ મેળવી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની સમાધિ ઉપર નતમસ્તક વંદન કરી ઉન્નીત-પ્રગતિશીલ ગુજરાત માટે વાંછના કરી હતી. મુખ્યમંત્રીએ કહયું કે, સંતરામ મંદિરે જનસેવાની અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરી સમાજના છેવાડાના ગરીબ લોકોને ઉપયોગી બની જનસેવાનું અનેરૃં કાર્ય કર્યું છે. જેને રામદાસ મહારાજ આગળ વધારી રહયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે ''ચલો જલાયે દિપ, જહાં અભી ભી અંધેરા હૈ'' ના મંત્રને સાકાર કરવા સમાજ-જન સેવાના કાર્યો કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સંતરામ મંદિર દ્ધારા ચરોતરમાં જળ સંચયથી માંડીને અનેકવિધ માનવ સેવાના કામો થઇ રહયા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગળતેશ્વર મંદિરના જિર્ણોધ્ધારનું કામ સંતરામ મંદિરના સહયોગથી આગળ વધી રહયું છે.

(9:25 pm IST)