Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ખાડી પર યોગ્ય રસ્તો ન હોવાથી બે બાળકો ડૂબ્યા

સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી : તંત્રની ઘોર બેદરકારીના કારણે ખાડી પરથી લોકોને માત્ર પાટિયા જેવા લોખંડના એક પોલ પરથી ચાલતા જવું પડે

સુરત,તા.૯ : સુરતમાં કડોદરા રોડ નજીક સનીય હેમાંદ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં આજે બે બાળકો ડૂબતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. સ્થાનિક સત્તાધીશો અને તંત્ર દ્વારા અહીંથી પસાર થતી ખાડી પરથી પસાર થવા માટે યોગ્ય રસ્તો નહી બનાવાતા બે બાળકો આજે ખાડીમાં પડતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સત્તાતંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ખાડી પરથી લોકો એક માત્ર પાટિયા જેવા લોખંડના પોલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.  સુરતનાં કડોદરા રોડ નજીક આવેલા સનીયા હેમાંદની આ ઘટનાને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે અને ખાડીના પાણીમાં ડૂબેલા બાળકોને શોધખોળના પ્રયાસો યુધ્ધના ધોરણે હાથ ધરાયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જીલ્લાના પુણા ગામ પાસે આવેલા સણીયા હેમાદ ગામે ખાડીમાં બે બાળકો ડુબ્યા હોવાનું સામે આવ્યું છે. બાળકો અહીં ખાડીમાં ન્હાવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તમને જણાવી દઇએ કે ખાડીમાં ડૂબેલા બંન્ને બાળક સ્કૂલથી પરત આવી રહ્યા હતા. આ ખાડી પરના એક લોખંડના પાટાનો ચાલવા માટે રસ્તો બનાવમાં આવ્યો હતો. તંત્ર દ્વારા કોઇ યોગ્ય રસ્તો બનાવવામાં ન આવતા વિદ્યાર્થીઓ નિયમિત આ જગ્યા પરથી પસાર થતા હતા. આ મુદ્દે બાળકોના માતા-પિતાને જાણ થતા તેમણે બાળકોની ભાળ ન મળતા આખી ઘટના સામે આવી હતી. હાલમાં સ્થાનિક ફાયરબ્રિગેડ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બાળકોની શોધખોળ હાથ ધરી છે. બીજીબાજુ, ખાડીમાં બે બાળકો ડૂબ્યાના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

 

(8:44 pm IST)