Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ત્રણ હત્યાને અંજામ આપનારો સિરિયયલ કિલરની શોધખોળ

પોલીસે સીરીયલ કિલરનો સ્કેચ જારી કરી કર્યો : સિરિયલ કિલર રાની નામનો વ્યંઢળ હોવાની પણ માહિતી મળી : છેલ્લા ૪ મહિનાથી શોધખોળ છતાં પકડાયો નથી

અમદાવાદ,તા. ૯ : ગાંધીનગર જિલ્લાના દંતાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલરને ગાંધીનગર પોલીસ અને ગુજરાત એટીએસ શોધી રહી છે. છેલ્લા ચાર મહિનાથી પોલીસને થાપ આપી રહેલો આ સિરિયલ કિલર શુક્રવારની સાંજે અડાલજ પાસે આવેલા મોમાઈ ટી સ્ટોલ નામની દુકાન ઉપર જોવા મળ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા ગાંધીનગર પોલીસ ત્યાં પહોંચે તે પહેલા સિરિયલ કિલર રવાના થઈ ગયો હતો. પોલીસને ઘટના સ્થળની આસપાસથી મળેલા ફૂટેજના આધારે જે સિરિયલ કીલર હોવાની શંકા પોલીસ વ્યકત કરી રહી છે, તેની ઓળખ માટે પોલીસે અનેક સ્થળે જ્યારે તેનો ફોટોગ્રાફ અને સ્કેચ બતાવ્યા ત્યારે પોલીસને આશ્ચર્ય થયું કારણ પોલીસ જેને હત્યારો માની રહી છે તે રાની નામનો વ્યંડળ હોવાની જાણકારી મળી છે. ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા,પણ કોઈ ચોક્કસ કડી મળી નહોતી. પરંતુ મોડે મોડે તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી અને આ વ્યકિતના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. પોલીસ દ્વારા આ ફૂટેજ અને તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વ્યંડળોએ તુરંત ઓળખી લઈ કહ્યું કે આ તો રાની છે. જો કે પહેલા તો આ વ્યક્તિને કોઈ ઓળખી શક્યું નહીં, પણ જ્યારે પોલીસે અમદાવાદ ગાંધીનગર હાઈવેની આસપાસના ટોલટેકસ ઉપર પૈસા માંગી રહેલા વ્યંડળોને આ સ્કેચ બતાવ્યો ત્યારે વ્યંડળોએ તુરંત તેને ઓળખી લઈ કહ્યું કે, આ તો રાની નામનો વ્યંડળ છે અને તે અગાઉ તેમનો સાથીદાર હતો. જે અગાઉ તેમની સાથે પૈસા માગવા ટોલટેકસ ઉપર આવતો હતો પણ છેલ્લાં છ મહિનાથી તે લાપત્તા છે. પોલીસને જાણકારી મળી કે, ટોલટેકસ ઉપર પૈસા ઉઘરાવવા માટે જતા આ વ્યંડળો તપોવન સર્કલ પાસે આવેલા અગોરામોલમાં મેકઅપ કરાવવા માટે આવતા હતા, પોલીસે ત્યાં જઈને ખાતરી કરતા મેકઅપ કરનારે પણ રાનીને ઓળખી બતાવ્યો હતો. પોલીસને જાણકારી મળી હતી કે, વ્યંડળ રાની અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે જેના આધારે એક ટીમ મેઘાણીનગર પહોંચી હતી, પણ ત્યાંથી જાણકારી મળી કે રાનીએ ઘર ખાલી કરી દીધું છે. પોલીસને એક નંબર પણ હાથ લાગ્યો હતો. જેનો ઉપયોગ રાની કરી રહ્યો હતો પણ તે ફોન લાંબા સમયથી બંધ કરી દેવાયો છે. અગાઉ જે હત્યા થઈ તે પહેલા રાનીની હાજરી અડાલજ પાસે આવેલા મોમાઈ ટી સ્ટોલ ઉપર જોવા મળી હતી, જે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે. પોલીસે અડાલજની આપપાસના વિસ્તારમાં રાનીનો ફોટો બતાડી તે નજરે પડે તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. અડાલજ આસપાસના વિસ્તારમાં તે નિર્જન રસ્તા ઉપર શિકાર કરે છે. પોલીસે તમામ સ્થાનોએ ગુપ્ત વોચ ગોઠવી રાખી છે.

(9:12 pm IST)