Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમદાવાદ સહિત રાજ્યમાં કાતિલ ઠંડી : જનજીવન ઠપ

નલિયામાં પારો એકાએક ગગડીને ૫.૮ થયો : ડિસા અને ગાંધીનગરમાં પણ પારો ૭થી નીચે : અમદાવાદ શહેરમાં દિવસભર ઠંડીના ચમકારાની વચ્ચે પારો ૮.૧

અમદાવાદ, તા.૯ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડી ગયો છે. અમદાવાદમાં પણ પારો ગગડીને ૮.૧ સુધી નીચે પહોંચી ગયો છે જ્યારે નલિયામાં તો પારો ૫.૮ સુધી એકદમ નીચે પહોંચી ગયો છે. ડિસામાં ૬.૬ અને ગાંધીનગરમાં ૬.૪ ડિગ્રી પારો નોંધાયો છે. કોલ્ડવેવની સ્થિતિ અકબંધ રહેવાના સંકેત મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જનજીવન પણ ખોરવાઈ ગયું છે. તીવ્ર ઠંડીના લીધે રાત્રિ ગાળામાં રસ્તાઓ પણ સુમસામ બની ગયા છે. કોલ્ડવેવની સ્થિતિ હાલમાં યથાવત રહેશે. આજે જે વિસ્તારમાં પારો ૧૦થી પણ નીચે પહોંચી ગયો હતો તેમાં વડોદરા, વલસાડ, સુરેન્દ્રનગર, નલિયા, કંડલા પોર્ટ, કંડલા એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. લોકો ગરમવસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે. હવામાન વિભાગ તરફથી પણ કોલ્ડવેવની ચેતવણી જારી કરાઈ છે.  હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જારી રહી છે જેના કારણે એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. કારણ કે, ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફ નજરે પડે છે. વાહનો જ્યાં રોકાયા છે ત્યાં જ જીવન અટવાઈ પડ્યું છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભારે હિમવર્ષાના કારણે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઇ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની અસર જોવા મળી શકે છે.  સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો કોલ્ડવેવના સકંજામાં આવી ગયા છે. ઉત્તર પશ્ચિમ પવનો નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, અમરેલીમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૯ ડિગ્રી થઇ શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધી શકે છે. કાતિલ ઠંડીના મોજા વચ્ચે લોકોને હાલમાં ગરમ વસ્ત્રો તૈયાર રાખવા પડશે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે જેની અસર પણ જોવા મળી શકે છે. આજે કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થઇ હતી. જો કે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જોવા મળી હતી.

 

(8:35 pm IST)