Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વણિકર ભવનના કબ્જા પ્રશ્ને કાર્યકર બાખડી પડતા વિવાદ

ભવનને લઇ વીએચપી-એએચપી વચ્ચે કકળાટ : કૌશિક મહેતા સહિતના સિનિયર આગેવાનોને ધક્કા મારી બહાર કઢાયા : વણિકરભવન ખાતે પોલીસ ટુકડી તૈનાત

અમદાવાદ,તા. ૯ : પાલડીની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવનના કબ્જાના મુદ્દે આજે વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી) અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(એએચપી)ના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને એક તબક્કે બંને સંસ્થાના કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થતાં વાતાવરણ ગરમાયું હતું. વીએચપી અને આરએસએસના કાર્યકરોએ વણિકર ભવનમાં પ્રવેશી ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કરતા વાત વણસી હતી. એએચપીએ દાવો કર્યો હતો કે, આ સંકુલની જગ્યા તેમના કબ્જામાં છે અને તે પણ કોર્ટના આદેશ તેમ કોર્ટ કમીશનના નિર્ણય મુજબ તેઓનું પઝેશન બોલે છે પરંતુ ડો.પ્રવીણ તોગડિયા વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ હવે સરકારના ઇશારે આ ભવન પચાવી પાડવાના વીએચપી દ્વારા હીન પ્રયાસો થઇ રહ્યા છે. તો, સામેપક્ષે વીએચપીએ આ ભવન તેમનું હાવાનો દાવો કર્યો હતો. એક તબક્કે વણિકર ભવન ખાતે પોલીસની વિશાળ ફૌજ તૈનાત કરી દેવાઇ હતી. એએચપીએ અદાલતના હુકમના ઉલ્લંઘન બદલ વીએચપી સામે કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. દરમ્યાન આજની આ સમગ્ર ઘટના અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો.પ્રવીણ તોગડિયાએ ટ્વિટ કર્યું હતું કે, અમારી એએચપી ગુજરાત અમદાવાદ ઓફિસ પર પોલીસે ગુંડાઓને સાથે લઈ હુમલો કર્યો છે. અમને કોર્ટમાંથી ઓફિસ પર હક મળ્યો છે. આ લોકો કોર્ટને પણ માનતા નથી. મારા રૂમ અને બાકીના તાળા તોડીને અમારો સામાન મારો સામાન, મારા ભગવાનની મૂર્તિઓ સડકપર ફેંકી છે. સત્તાના મદમાં ભયંકર દમન. દરમ્યાન ડો.તોગડિયાએ મોદીના ઇશારે સરકાર અને પોલીસના ઇશારે આ ગેરકાયદે હીન કૃત્ય આચરાયું હોવાના ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. બીજી તરફ વીએચપીએ પણ આ કાર્યાલયના અસલ દસ્તાવેજ પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો તેમજ ટ્રસ્ટના કુલ ૧૫માંથી પ્રવીણ તોગડિયા અને રણછોડ ભરવાડ સહિત પાંચ ટ્રસ્ટીઓ હેતુ વિરૂદ્ધ આ ભવનનો ઉપયોગ કરતા હોવાનો આરોપ મુક્યો હતો. વણિકર ભવનનો કબ્જો જે ટ્રસ્ટ પાસે છે તેમાં કુલ ૧૫ ટ્રસ્ટીઓ છે. વીએચપીથી અલગ થઈ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરનાર ડો.પ્રવીણ તોગડીયા સહિત ૫ ટ્રસ્ટીઓ વિરૂદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના ૧૦ ટ્રસ્ટીઓ હોવાનું કહેવાય છે. આમ વણિકર ભવનનો કબજો એએચપી પાસેથી મેળવવા વીએચપીએ પ્રયાસો શરૂ કરતા બન્ને સંગઠનોના કાર્યકરોના ટોળા એકત્ર થયા હતા અને એક તબક્કે સામસામે આવી જતાં ઝપાઝપી સુધીના દ્રશ્યો સર્જાયા હતા. એક સમયના સાથી રહેલા પ્રવિણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચે વધેલી કટુતા એટલી હદે આગળ વધી કે વિશ્વ હિન્દુ પરિષદમાંથી તોગડિયાની હકાલપટ્ટી કર્યા બાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવનમાંથી તોગડિયાના સાથીઓને ધક્કા મારી કાઢી મુકવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત આસપાસના પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં આવેલા પોલીસ કાફલાની હાજરીમાં નરેન્દ્ર મોદીના સમર્થકો દ્વારા ડો. કૌશીક મહેતા જેવા સિનિયર આગેવાનોને ધક્કા મારી વણીકર ભવનમાંથી કાઢી મુકાયા અને દરવાજાઓ તોડી નાખ્યા હતા. પ્રવિણ તોગડિયાના કેટલાંક સમર્થક આ અંગે ફરિયાદ કરવા એલિસબ્રીજ પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા કહ્યું કે આમાં તો, ફરિયાદ નહીં લેવાનો આદેશ છે. આપ કોર્ટમાં આ અંગે ફરિયાદ કરી શકો છો. તેથી સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

 

(8:02 pm IST)