Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કોમ્પ્યુટર ઇજનેર યુવતીનો ગળે ફાંસો ખાઇને આપઘાત

યોગ્ય નોકરી નહી મળતાં ડિપ્રેશનમાં આત્મહત્યા કરી : માંજલપુર પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી : બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી

અમદાવાદ,તા. ૯ : વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલા મારૂતિધામ નગરમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનીયર યુવતી રૈની સુરેશચંદ્ર ગજ્જરે યોગ્ય નોકરી ન મળતા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલા મારૂતિધામ નગરમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનીયર યુવતી રૈની સુરેશચંદ્ર ગજ્જરે આજે રહસ્યમય સંજોગોમાં પોતાના ઘરે રૂમમાં ગળે ફાંસો અચાનક આત્મહત્યા કરી લીધી હતી. રેલવેમાં નોકરી કરતા યુવતીના પિતા સુરેશચંદ્ર ગજ્જર અને માતા લગ્નમાં ગયા હતા. જ્યારે દાદી ઘરે એકલા હતા ત્યારે રૈનીએ પોતાના રૂમમાં પંખાના હુક ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હોવાની વાત સામે આવી છે. માંજલપુર પોલીસે હાલ તો, પ્રાથમિક તપાસના આધારે આત્મહત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યોગ્ય નોકરી નહી મળતાં ડિપ્રેશનમાં આવી યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે.

જો કે, પોલીસે આત્મહત્યા પાછળનું સાચુ કારણ જાણવાની દિશામાં તપાસ જારી રાખી છે. આ અંગે પોલીસે પરિવારજનો અને આડોશપાડોશના સ્થાનિક રહીશોના નિવેદન પણ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, યુવતીની આત્મહત્યા અને મોતને લઇ સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. માંજલપુર પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(8:01 pm IST)