Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વિદ્યાનગરના બંધ મકાનના તાળા તોડી 45 હજારની ચોરી

આણંદ:  વિદ્યાનગરને ટાર્ગેટ બનાવીને બંધ મકાનોના તાળા-નકુચા તોડીને ચોરીઓ કરવાનું ચાલુ કરી દેતાં પોલીસ અને પ્રજાની ઉંઘ હરામ થઈ જવા પામી છે. ૩૦મી વિદ્યાનગર અને ૩જી તારીખના રોજ મોગરીમાં થયેલી ચોરીઓ સંદર્ભે પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.  પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ-વડતાલ રોડ ઉપર આવેલા ત્રિવેણી વિશ્વ જૈન વિદ્યાલય પાસે રહેતા અનિલકુમાર લધારામ મુનાણી ગત ૩૦મી તારીખના રોજ પિતાજીને નડીઆદની ધર્મસિંહ હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ત્યાં પત્ની સાથે મકાનને તાળુ મારીને જોવા માટે ગયા હતા અને રાત્રીના સુમારે ત્યાં જ રોકાઈ ગયા હતા. દરમ્યાન રાત્રીના દશ વાગ્યા બાદ ત્રાટકેલા તસ્કરોએ મકાનનું તાળુ અને ઈન્ટરલોક તોડીને અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડા ૪૦ હજાર તથા એક પાંચ હજારની કિંમતની ચાંદીની ગાય મળીને કુલ ૪૫ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારે પડોશીએ તેમના મકાનનું તાળુ તુટેલું તેમજ દરવાજો પણ ખુલ્લો જોતાં તુરંત જ અનિલકુમારને ફોન કરીને જાણ કરી હતી જેથી તેઓ નડીઆદથી ઘરે આવ્યા હતા અને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. બીજા બનાવમાં મોગરી-ગાના મફતપુરા રોડ ઉપર આવેલી માતૃછાયા સોસાયટીમાં રહેતા મુળ વિદ્યાનગરના અજયભાઈ મહેન્દ્રભાઈ ગોહેલ ગત ૩જી તારીખના રોજ ઘરને તાળુ મારીને બહાર ગયા હતા દરમ્યાન કોઈ તસ્કરોએ ત્રાટકીને તાળુ તોડી અંદર પ્રવેશ કરીને તિજોરીનું પણ લોક તોડી નાંખીને અંદર મુકેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને કુલ ૮૧,૪૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 

(4:33 pm IST)