Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કરમસદની એસબીઆઈ બેંકમાંથી ચોરાયેલા સોનાના ૮.૫૨ લાખના ઘરેણાનું રહસ્ય ઘેરાયું

આણંદ: કરમસદની એસબીઆઈ બેંકમાંથી ચોરાયેલા સોનાના ૮.૫૨ લાખના દાગીનામાં રહસ્ય વધુ ઘેરાયું છે. પોલીસે શકદાર એવા કેશિયરની કરેલી પુછપરછમાં તેણે આ દાગીના નહીં ચોર્યાનું જણાવ્યું છે જેને લઈને દાગીના કોણે ચોર્યા તે પ્રશ્ન બરાબર ગુંચવાયો છે. જો કે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ ચાલી રહી હોવાનુ જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદની એસબીઆઈ બેંકમાંથી ગોલ્ડ પર લોન લેનાર બે ગ્રાહકોનું કુલ ૨૫૨.૭૬ ગ્રામ સોનાની બે પોટલીઓ સ્ટ્રોંગ રૂમની તિજોરીમાંથી ગુમ થઈ જવા પામી હતી. જે અંગે બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા કેશિયર ભાવેશભાઈ જોષી વિરૂદ્ઘ ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે ભાવેશભાઈની પુછપરછ કરતાં તેઓ દ્વારા આ ચોરીમાં તેમનો હાથ નહીં હોવાનું જણાવ્યું છે. આ કેસની તપાસ ચલાવી રહેલા પીઆઈ ડી. ડી. સીમ્પીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે, સમગ્ર કેસની તલસ્પશી તપાસ ચાલી રહી છે હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયુ નથી. શકદારની પણ પુછપરછ કરવામાં આવી છે પરંતુ કોઈ ફળદાયી હકિકત મળી નથી. જ્યાંથી આ દાગીના ગુમ થયા છે તે સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા મુકવામા આવ્યા નથી જેથી જેણે પણ આ દાગીના ગાયબ કર્યા છે તે અત્યંત ચાલાક અને ચબરાક વ્યક્તિ હોવો જોઈએ. બે ચાવીથી ખુલતી તિજોરીની એક ચાવી કે જે મેનેજર પાસે રહેતી હતી તે તેઓ દ્વારા દિવસ દરમ્યાન સ્ટ્રોંગ રૂમમાં જ મુકી રાખવામાં આવતી હતી જ્યારે બીજી ચાવી કેશિયર પાસે રહેતી હતી. જેથી સમગ્ર કોકડું બરોબર ગુંચવાયું છે.

(4:32 pm IST)