Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

મહેસાણામાં 59 બાળ મજૂરો મળી આવ્યા

મહેસાણા: જિલ્લામાં વર્ષ 2013 થી 2018 દરમિયાન ૫૯ જેટલા બાળ મજૂરો સરકારી શ્રમ અધિકારી દ્વારા કરવામાં આવેલ અલગ-અલગ દરોડા દરમિયાન કરાયા હતા. જોકે આ બાળ મજૂરો મોટાભાગે ચાની કીટલી, રેસ્ટોરન્ટ સહિત નાસ્તાના સ્ટોલો પરથી મળી આવ્યા હતા.

મહેસાણા સ્થિત મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા છ વર્ષમાં વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૫૯ જેટલા બાળ મજૂરો મળી આવતા આ બાળ મજૂરોને મંજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.સરકાર દ્વારા બાળ મજૂરી પર પ્રતિબંધ હોવાછતાં કેટલાક વેપારીઓ પોતાની ચાની કીટલી, નાસ્તા સ્ટોલ, રેસ્ટોરન્ટ સહિત ધંધાના સ્થળો પર બાળ મજૂરોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. ભણવા રમવાની ઉંમરે આવા ગરીબ બાળકોને મજુરી કામ કરાવી વેપારીઓ તેમનું શોષણ પણ કરતા હોય છે. મહેસાણા જિલ્લામાં બેચરાજી, મહેસાણા, વિસનગર, વિજાપુર, કડી, ખેરાલુ, સતલાસણા, જોટાણા, ઊંઝા સહિત તાલુકા વિસ્તારોમાં દરોડા કાર્યવાહી છેલ્લા છ વર્ષ દરમિયાન શ્રમ અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેમાં મહેસાણા સહિતના પંથકમાં સૌથી વધુ હોટલો ચાની કીટલી પરથી બાળ મજૂરો મળી આવ્યા હતા. જે ધંધાના સ્થળ પરથી બાળ મજૂર મળી આવેલ તે તમામ વેપારી સામે દંડ તેમજ ગુનો નોંધવાની પ્રક્રિયા શ્રમ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. મહેસાણાના આરટીઆઈ એક્ટીવિસ્ટ વિનોદ ચૌહાણ દ્વારા માંગવામાં આવેલ આ આરટીઆઈમાં વિવિધ વિગતો વિભાગ દ્વારા પુરી પાડવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ વર્ષ 2018માં 14 બાળ મજૂર મળી આવ્યા હતા. જ્યારે વર્ષ 2017માં સૌથી ઓછા સાત જેટલા બાળ મજૂરો છોડાવાયા હતા.

(4:29 pm IST)