Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કરજણના ફતેપુટમાં ખેડૂતો લીઝ માફિયાથી ત્રસ્ત

કરજણ: તાલુકાના ફતેપુરા ગામે લીઝ માફિયાઓ અને ખેડૂતો વચ્ચે નવી લીઝ શરૃ નહિ કરવા બાબતે થયેલી હિંસક અથડામણ અને હુમલામાં માર મારતાં સામસામે કુલ ચોવીસ ઇસમો વિરૃધ્ધ હુલ્લડનો ગુનો નોંધાયો છે.  ભ્રષ્ટ્ર વહીવટી પગલે બેફામ બનેલા લીઝ માફિયાઓને પગલે ખેડૂતોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.નર્મદા નદીનાં કિનારે ફતેપુર ગામની જમીનના દશ ખેડૂતો માલિક છે. જેનો વહીવટ કરવા અને સરકારી કચેરીઓમાંથી પરવાનગીઓ વગેરે લેવા માટે દશ ખેડૂતો એ યોગેશ કાન્તીલાલ સોનીને કુલ મુખત્યાર કરી આપેલા આ જમીનમાં રેલીની લીઝ મંજુર કરાવેલનું જણાવે છે. પરંતુ પરસોત્તમ શીવલાલ સોનીના વારસદાર નિમેષ ડાહ્યાભાઇ સોનીએ વાંધો ઊઠાવતાં મામલતદાર કરજણે લીઝ નામંજૂર કરેલો જેથી તેઓના ભાગની જમીન છૂટી પાડવા માટે જમીન માપણી કરવાના નિયામક જમીન દફતર વિભાગ- વડોદરાને જમીન માપણી કરવા તા.૧૩-૬-૧૭ ના રોજ અરજી આપેલી જે બાબતે બે સર્વેયર તા.૭ના રોજ આવેલા હતા. આ વિવાદી જમીનની સામે આવેલી રોનાબેન રાકેશભાઇ ઓડ (રહે. સુરત) જમીન લીઝના વહીવટ કર્તા અજય ભરતભાઇ ડાંગરે જમીન માપણી સર્વેયરને ધમકી આપી ફરિયાદી ભૂપેન્દ્ર પટેલની કહેવાતી જમીન માપણી નહિ કરવા જણાવેલું તે જમીનના માલિક અમે છીએ તેમ જણાવેલ જેથી કનુ રણછોડ પટેલ રમેશ પરસોત્તમ પટેલ અને ચંદુ દરૃ પટેલ સવાલવાળી જમીન પર ગયેલા તે સમયે અજય ડાંગરે જમીનના માલિકો દાવો કરતો સામસામે બોલાચાલી ઝઘડો થયેલો અને મામલો બિચકે તેમ સમજી ખેડૂતો ઘેર પરત આવી ગયેલા અને એકસો નંબર પર ફોન કરતાં પોલીસવાન ગામપર આવી ગયેલી. ત્યાર બાદ ફરિયાદી અન્ય પાંચ ખેડૂતોને લઇ પોતાની ગાડીમાં કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતા હતા ફતેપુરા અને દેરોલી ગામની વચ્ચે વળાંક ઉપર ભાથુજાી મંદિર પાસે અજય ડાંગર, હિતેશ કરંડીયા અને બીજા અજાણ્યા ત્રણ માણસોએ ઇકો વાનને રોકી હતી લોખંડની પાઇપ, ધારિયાની દાંતી તથા ડંડા લઇ ઇકો ગાડી પર હુમલો કરતાં ઓછી વત્તી ઇજાઓ થઇ હતી. બુમાબુમ થતાં પોલીસ દોડી આવી હતી. તેમજ ગામના અન્ય માણસો પણ દોડી આવ્યા હતાં. પરિણામે આ પાંચ હુમલાખોરો ફોર્ચ્યુન ગાડીમાં વડોદરા તરફ ભાગી છૂટયા હતા. પોલીસની હાજરી હોવા છતાં લીઝ માફિયાઓએ કરેલ હુમલા સામે ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે.

(4:25 pm IST)