Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

દસમા - બારમાની પરીક્ષા આપવા સવાસો કેદીઓ તૈયાર : સંખ્યા ઘટી

રાજકોટ - વડોદરા - સુરત - અમદાવાદની જેલમાં ખાસ વ્યવસ્થા થશે

રાજકોટ તા. ૯ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાનાર ધોરણ.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં આ વખતે પણ સમગ્ર રાજયમાંથી કુલ ૧૨૧ જેટલા જેલના કેદીઓ પણ પરીક્ષા આપશે.

વર્ષ-૨૦૧૬થી જેલના કેદીઓ માટે પણ બોર્ડની પરીક્ષામાં વ્યવસ્થા કરવાની શરૂઆત કરાઈ છે જે આ વખતે ચોથી વાર કેદીઓ પણ બોર્ડના પરીક્ષાર્થી બનશે.

કેદીઓ માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રોજકોટની જેલમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહત્ત્વનું છે કે, છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે કેદી પરીક્ષાર્થીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૬ના માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષા કુલ ૧૪૪ કેદીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ધોરણ.૧૦માં ૧૦૧ કેદી પરીક્ષાર્થી નોંધાયા હતા જેમાંથી માત્ર ૨ જ કેદી પાસ થયા હતા. આજ વર્ષે ધોરણ.૧૨માં કુલ ૪૩ કેદીઓએ પરીક્ષા ફોર્મ ભર્યા હતા જે પૈકી ૩૩ કેદીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર ૩ કેદી પાસ થયા હતા. વર્ષ-૨૦૧૭માં સમગ્ર રાજયમાંથી કુલ ૧૭૮ કેદીઓએ પરીક્ષા આપી હતી જયારે ગત વર્ષે ૨૦૧૮માં ૧૮૩ કેદીઓએ પરીક્ષા આપી હતી. જેની સામે આ વખતે ધોરણ.૧૦માં માત્ર ૯ અને ધોરણ.૧૨માં ૩૧ કેદીઓએ બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે.

કેદીઓની પરીક્ષા વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલમાં કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, જયારથી કેદીઓની પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી જેલમાં કેદીઓને ધોરણ.૧૦ અને ૧૨નો અભ્યાસક્રમ પણ ભણાવવામાં આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.(૨૧.૨૩)

 

(2:44 pm IST)