Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

૧૦-૧૧ બે દિવસ રાજયભરના રેશનીંગ કર્મચારીઓ હડતાલ ઉપર

રાજયભરમાં રેશનિંગ વેપારીઓ દ્વારા ૨ દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ ૨ દિવસ સુધી રેશનિંગનાં વેપારીઓ રાજયવ્યાપી હડતાળ કરશે. કમિશન વધારા સહિતની માંગ સાથે વેપારીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.હડતાળમાં રાજકોટનાં ૯૦૦થી વધુ વેપારીઓ જોડાશે. રાજયભરમાં વેપારીઓની આ હડતાળને પગલે પુરવઠો ખોરવાય તેવી શકયતા છે. મહત્વનું છે કે અનાજ-કેરોસીનનું વિતરણ ઠપ્પ રહેતાં ગરીબ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.રેશનિંગ વેપારીઓની આ ૨ દિવસની હડતાળને લઇને આખા રાજયમાં ગરીબોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન સહિતનો પુરવઠો નહીં મળે તેવું બની શકે છે. વ્યાજબી ભાવની દુકાન સંચાલકોનાં પ્રશ્નો મુદ્દે સરકારને ચીમકી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફેર પ્રાઈસ શોપ ઓનર્સ એસોસિએશનનાં અધ્યક્ષ પ્રહલાદ મોદીએ સંચાલકોનાં પ્રશ્નો મુદ્દે પુરવઠા મંત્રી સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સરકાર દ્વારા ફાઈલ મોકલવા માટે કહેવામાં આવ્યું. તેમની માંગો ન સ્વીકારાતા રેશનિંગનાં વેપારીઓ દ્વારા ૨ દિવસની હડતાળની પણ જાહેરાત કરવામાં આવી છે. જો કે જો આ માંગ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં તેઓ ધરણાં પર ઉતરશે એવી ચિમકી પણ ઉચ્ચારાઇ છે. ૧ માર્ચથી વેપારીઓ દ્વારા વિતરણ વ્યવસ્થા પણ બંધ કરાશે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વેપારીઓ માંગણી કરી રહ્યાં છે. સરકાર માત્ર આશ્વાસન આપતી હોવાનાં વેપારીઓનાં આક્ષેપ છે. હરિયાણા, ગોવા, મહારાષ્ટ્ર સરકારે કમિશનમાં વધારો કર્યા હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે. (૪૦.૭)

(2:43 pm IST)