Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગુજરાત હાઇકોર્ટમાં જજોની ૨૪ રાષ્ટ્રીય સ્તરે ૪૦૦ જગ્યાઓ ખાલી

ગુજરાત હાઇકોર્ટમાં ૧,૧૫,૩૫૯ ફોજદારી અને દિવાની કેસો પડતરઃ કાનૂન અને ન્યાય રાજયમંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને ઉત્તર

જામનગર, તા.૯: ગુજરાત હાઇકોર્ટમાં ૧,૧૫,૩૫૯ ફોજદારી અને દિવાની કેસો પડતર છે. કેન્દ્રીય કાનૂન અને ન્યાય તથા કોર્પોરેટ એફેર્સ રાજયમંત્રી શ્રી પી.પી.ચૌધરીએ આ માહિતી ફેબ્રુઆરી ૮, ૨૦૧૯ના રોજ રાજયસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી. ગૃહમાં રજૂ કરવામાં આવેલા મંત્રીશ્રીના નિવેદન અનુસાર, દેશની ૨૩ હાઇકોર્ટોમાં કુલ ૪૦,૯૨,૭૩૨ ફોજદારી અને દિવાની કેસો પડતર છે.

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી જગ્યાઓ કુલ ૫૨ છે, જેની સામે ૨૪ જગ્યાઓ ખાલી છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. દેશની કુલ ૨૫ હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની કુલ મંજૂર થયેલી જગ્યાઓ ૧૦૭૯ છે, જેમાંથી ૪૦૦ જગ્યાઓ ખાલી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ફેબ્રુઆરી ૧, ૨૦૧૯ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં કુલ ૫૮,૦૨૯ ફોજદારી અને દિવાની કેસો પડતર છે. વધુમાં, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી કુલ ૩૧ જગ્યાઓની સામે ૦૩ જગ્યાઓ ખાલી છે.

મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં ૨૦૧૫-૨૦૧૮ દરમિયાન સૂપ્રીમ કોર્ટમાં ૧૮ ન્યાયાધીશો અને વિવિધ હાઇકોર્ટોમાં ૩૮૪ ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી. સરકાર દ્વારા હાઇકોર્ટના ન્યાયાધીશોની સંખ્યા જે મે ૨૦૧૪માં ૯૦૬ હતી તે વધારીને હાલમાં ૧૦૭૯ કરવામાં આવી હતી, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર દ્વારા કેસોના ઝડપથી નિકાલ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે જેમાં નેશનલ મિશન ફોર જસ્ટિસ ડિલીવરી અને લીગલ રીફોર્મ્સની સ્થાપના, જિલ્લા અને નીચલી કોર્ટોના ન્યાયિક અધિકારીઓ માટે માળખાકીય સુવિધાઓ (કોર્ટરૂમ અને રહેણાંકી મકાનો)નું નિર્માણ, ઝડપી ન્યાયિક પ્રક્રિયા માટે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી.)નો ઉપયોગ અને ખાસ પ્રકારના કેસોના ઉકેલ માટે વૈકલ્પિક વિવાદ ઉકેલ (એ.ડી.આર.) પર ભાર મૂકવાનો સમાવેશ થયા છે.(૨૩.૧૦)

(2:42 pm IST)