Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સુરતમાં ઉત્પાદિત લહેંગાને ગારમેન્ટ ગણી ૧૨ ટકા જીએસટી વસૂલવા સ્પષ્ટતા

રૂ. ૧ હજારથી વધુ કિંમતના લહેંગા મોંઘા થશે : ફેબ્રીકસ નહિ ગણાય

સુરત તા. ૯ : ફેબ્રિકસ પર પાંચ ટકાનો જીએસટી લાગુ પડાયો છે, જયારે ગાર્મેન્ટ પર પાંચ અને ૧૨ ટકાનો સ્લેબ લાગુ પડે છે. આ તબક્કે સુરતના કાપડ વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા લહેંગા પર લાગુ પડતા જીએસટી રેટ અંગે અસમંજસની સ્થિતિ રહી છે. આ અંગે વારંવાર રજૂઆત થતા ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ લહેંગાને ગાર્મેન્ટ તરીકે ગણતરીમાં લેવાની સ્પષ્ટતા કરી છે.

જીએસટી અમલી બન્યા બાદ ઘણાં ક્ષેત્રે હજુ ગૂંચ અને ગૂંચવણની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેમાં પણ સ્થાનિક ટેકસ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નેરો ફેબ્રિકસ, લહેંગા સહિતના ઉત્પાદનો પર લાગુ પડતા જીએસટી રેટને લઇ અસમંજસની સ્થિતિ છે, જેમાં પણ લહેંગા પર લાગુ પડતા જીએસટી રેટને લઇને વેપારીઓ મૂંઝવણમાં છે. સુરતમાં આ ટેકસ રેટને લઇને જુદુ જુદુ અર્થઘટન થઇ રહ્યું છે.

ઘણાં વેપારીઓનું માનવું છે કે, લહેંગા ફેબ્રિકસમાં ગણતરીમાં આવે અને તેના પર પાચ ટકા જીએસટી લાગુ પડે, જયારે ઘણાનું માનવું હતું કે લહેંગા ગાર્મેન્ટની શ્રેણીમાં આવે છે, જેના પર પાંચ અને ૧૨ બંને ટેકસ સ્લેબ લાગુ પડે છે. આ ગૂંચવણભરી સ્થિતિ અંગે વિવિધ ટેકસ્ટાઇલ સંગઠનો દ્વારા ફાઈનાન્સ મિનિસ્ટ્રી તથા કેન્દ્ર સરકારમાં રજૂઆત થઇ હતી.  સાઉથ ગુજરાત ટેકસ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ સાંવરમલ બુડિયા દ્વારા પણ આ અંગે તાકીદે સ્પષ્ટતા કરવા રજૂઆત કરાઇ હતી, જેના અનુસંધાનમાં ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જોઇન્ટ સેક્રેટરીએ તાજેતરમાં પત્ર પાઠવીને સ્પષ્ટતા કરી છે. આ અંગે એસોસિયેશને જણાવ્યું હતું કે, ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ સ્પષ્ટ જણાવ્યું કે, લહેંગા એ સ્ટીચ્ડ ગાર્મેન્ટની શ્રેણીમાં આવશે. જેનો એચએસએન કોડ ૬૩૦૭ રહેશે.(૨૧.૨૩)

 

(2:41 pm IST)