Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી : ૧૧ના મોત

હચમચી ઉઠેલી કેન્દ્રએ નિષ્ણાત ટીમ મોકલી : ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વર્ષ ૨૦૧૯માં સત્તાવારરીતે ૬૨ અને બિનસત્તાવારરીતે તો ૭૦થી ઉપર

અમદાવાદ,તા. ૯ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર આજે યથાવતરીતે જારી રહ્યો હતો. સ્વાઈન ફ્લુના કારણે આજે એક જ દિવસમાં વધુ ૧૧ લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. અન્ય નવા કેસો પણ સપાટી ઉપર આવ્યા છે. ૧૧ લોકોના મોત થતાંની સાથે જ સત્તાવારરીતે મોતનો આંકડો વધીને ૬૨ ઉપર પહોંચ્યો હતો પરંતુ બિનસત્તાવારરીતે મોતનો આંકડ વધીને ૭૦ ઉપર પહોંચી ગયો હતો. દરમિયાન સેંકડો લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય પણ સ્વાઈન ફ્લુના કારણે ચિંતિત દેખાઈ રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાત અને પંજાબમાં કેન્દ્રીય ટીમ પહોંચી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્થિતિના મુલ્યાંકન માટે તથા બિમારીઓથી પહોંચી વળવા માટે કેટલાક પગલા હાથ ધર્યા છે જેના ભાગરૂપે રાજ્યોની સહાયતા માટે બે ટીમો પણ મોકલી દીધી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મમુજબ ગુજરાતમાં ૭મી ફેબ્રુઆરી સુધી જ સ્વાઈન ફ્લુથી સત્તાવારરીતે ૫૪ના મોત થયા હતા અને ૧૧૮૭ કેસ નોંધાયા હતા. આ આંકડો નવમી ફેબ્રુઆરીના દિવસે વધીને સત્તાવારરીતે ૬૨ અને બિનસત્તાવારરીતે ૭૦ ઉપર પહોંચ્યો હતો. પંજાબ અને રાજસ્થાનમાં પણ હાલત કફોડી બનેલી છે. પંજાબમાં ૩૦ના મોત થયા છે અને ૩૦૧ કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લુના લીધે દેશભરમાં ૨૨૬થી વધુના મોત થઇ ગયા છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૨૦૦થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા ૬૫૦ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૪૦૦ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દર્દીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.  આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૨૧૩ ઉપર પહોંચી હતી. ફેબ્રુઆરી મહિનાના એક જ સપ્તાહના ગાળામાં આ સંખ્યા ૧૩૪થી પણ ઉપર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઇને હજુ સુધી અમદાવાદમાં છના મોત થઇ ચુક્યા છે જ્યારે ૧૫ લોકોના મોત તો ટૂંકા ગાળામાં જ થયા છે. આજે સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકોના જે વિસ્તારમાં મોત થયા હતા તેમાં રાજકોટમાં બે અને વડોદરામાં એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુના કારણે ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના મોત ૨૦૧૯માં દેશમાં ત્રીજા સૌથી વધુ થયા છે. આજે નવા કેસો સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૧૨૦૦થી વધુ પહોંચી ગઈ હતી.  નવા વર્ષમાં મોતનો આંકડો રોકેટગતિએ વધતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં સૌથી વધારે સ્વાઈન ફ્લુના કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૯ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. દરરોજ નવા નવા લોકો સ્વાઈન ફ્લૂના સકંજામાં આવી રહ્યા છે. આજે વધુ ૧૧ લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો હતો.  કિલર બનેલા સ્વાઈન ફ્લુના કારણે લોકોમાં પણ દહેશત છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ.................... ૧૨૦૦થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત.............................. ૬૨થી વધુ

સારવાર હેઠળ લોકો........................... ૪૦૦થી વધુ

સ્વસ્થ થયેલા લોકો............................. ૬૫૦થી વધુ

૨૪ કલાકમાં મોત........................................... ૧૧

બિનસત્તાવાર મોતનો આંકડો............................ ૭૦

(8:37 pm IST)