Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

જો સેવા નહિ કરે તો રદ્દ થશે જામીન

વિસ્મય શાહે ભોગવવી પડશે દારૂ પીવાની 'સજા' : અનાથાશ્રમ - વૃધ્ધાશ્રમમાં કરવી પડશે સેવા

વીકેન્ડમાં બંને દિવસ ૭ - ૭ કલાકના સેવાકાર્યો કરવાના રહેશે

અમદાવાદ તા. ૧૦ : ગુજરાત સહિત દેશભરમાં ચકચારી બનેલા હિટ એન્ડ રન કેસમાં ગુનેગાર સાબિત થયેલ અને ત્યારબાદ મળેલી જામીન દરમિયાન દારુ પાર્ટી કરતા પકડાયેલ વિસ્મય શાહને ગુજરાત હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. જે મુજબ ૬ મહિના સુધી તેને દર સપ્તાહમાં બે દિવસ સમાજ સેવા કરવી તેમજ ત્યારબાદ કેસ ચાલી રહ્યો છે ત્યાં સુધી પ્રત્યેક સપ્તાહમાં એક દિવસ સમાજ સેવાના કામ કરતા રહેવું. જે અંતર્ગત હવે કોર્ટે તેને આ સમાજ સેવા માટે સ્થળ પણ દર્શાવી આપ્યા છે. કોર્ટે તેને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના અનાથાશ્રમ અને વૃદ્ઘાશ્રમમાં વીકેન્ડમાં સેવા કરવા જણાવ્યું છે.

જસ્ટિસ કે.વાય. કોગજે શાહને દારુની મહેફિલ માણવાના કેસમાં જામીન આપતા સમાજ સેવાની શરતો મુકી હતી. હીટ એન્ડ રન કેસમાં જેલ થયા બાદ જામીન પર બહાર નીકળેલો વિસ્મય ક્રિસમસ ઇવનિંગે અમદાવાદ નજીક એક ફાર્મહાઉસમાં દારુની મહેફિલ માણતો પકડાયો હતો. જે બાદ કોર્ટે આ કેસમાં તેના જામીન મંજૂર કરતા કહ્યું કે જો પોતાની સેવા યોગ્ય રીતે નહીં બજાવે તો તેને મળેલા જામીન રદ થઈ શકે છે.

આ સાથે હાઈકોર્ટે વિસ્મયને ૧૦ દિવસનો સમય આપ્યો છે જે દરમિયાન તેને કોર્ટને જણાવવાનું રહેશે કે કયા અનાથાશ્રમ અને વૃદ્ઘાશ્રમમાં તે સેવા બજાવશે. કોર્ટે કહ્યું કે જે તે સંસ્થાના વ્યવસ્થાપક દ્વારા વિસ્મયને બંને દિવસ ૭-૭ કલાક માટે યોગ્ય કહી શકાય તેવા સેવાકાર્યો સોંપવામાં આવશે. તેમજ ટ્રાયલ કોર્ટ એક ઓફિસરની નિમણુંક કરશે જે ગમે ત્યારે ચેક કરી શકશે કે વિસ્મય યોગ્ય રીતે સેવા કાર્યો કરે છે કે નહીં. જે બાદ ઓફિસર કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. હાઈકોર્ટ શરતો જણાવતા ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઓફિસર દ્વારા આપવામાં આવેલ કોઈપણ રિપોર્ટમાં જો લાગશે કે વિસ્મય શાહ સંતોષજનક રીતે સમાજ સેવા નથી કરી રહયો તો તે જામીનના નિયમોનું ઉલ્લંઘન કહેવાશે અને તેથી જામીન રદ થઈ શકે છે.(૨૧.૧૨)

(11:33 am IST)