Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વોટ્સએપ પ્રેમ ટકયો માત્ર ૬ મહિના

મ.પ્રદેશની યુવતી અને અમદાવાદનો યુવક વોટ્સએપ પર મળ્યા અને પ્રેમમાં પડયા : લગ્ન કર્યા પછી હવે ડખ્ખોઃ પતિએ પત્નીને કાઢી મૂકી : મામલો અભયમ્ અને પોલીસમાં

અમદાવાદ તા. ૯ : મધ્ય પ્રદેશની ૨૩ વર્ષની યુવતી અને અમદાવાદનો યુવક વોટ્સએપ પર મળ્યા અને એકબીજાના પ્રેમમાં પડી ગયા. ૬ મહિનાની અંદર જ બંનેએ ભાગીને લગ્ન પણ કરી લીધા. પરંતુ એક દિવસે યુવતીને મધ્યપ્રદેશમાં સરકારી શિક્ષક તરીકે નોકરીની ઓફર મળી, જે બાદ બંનેને પ્રેમમાં તિરાડ પડી ગઈ અને યુવતીને તેના પતિએ ઘરની બહાર કાઢી મૂકી. આ બાદ યુવતી સલામતી માટે ૧૮૧ અભયમ અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની મદદ લેવાનો નિર્ણય કર્યો.

અભયમ હેલ્પલાઈનના અધિકારીએ જણાવ્યું કે, યુવતીએ કહ્યું કે નોકરી આ ઝઘડાનું મૂળ છે, જેને તેના પતિ તે સાસુ-સસરા સ્વીકારવા માટે તૈયાર નથી. તેઓ નથી ઈચ્છતા કે યુવતી મધ્યપ્રદેશ જાય ઉપરાંત તેનામાં જ ખોટ કાઢવા લાગ્યા. યુવતીએ લગ્ન પહેલા મધ્યપ્રદેશમાં શિક્ષકની ભરતી માટેની સરકારી પરીક્ષા આપી હતી. હાલમાં જ તેને અપોઈન્ટમેન્ટ જાહેર કરાઈ હતી. શહેરમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો તેનો પતિ નથી ઈચ્છતો તે યુવતી નોકરી કરે. મામલો ત્યાં સુધી વધી ગયો કે પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી.

યુવતીએ જણાવ્યું કે, તે એક ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં હતી. તેના અમદાવાદમાં રહેતા કઝિને કેટલાક મિત્રોને પણ ગ્રુપમાં એડ કરેલા હતા. જેમાંથી એક મિત્રએ તેની સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું. બંને ધીમે ધીમે પ્રેમમાં પડ્યા અને ચોરીછુપી ભાગીને લગ્ન કરી લીધા.

લગ્ન બાદ નોકરીની વાત સામે આવતા સ્થિતિ ખરાબ થઈ ગઈ અને તેના પતિએ તેને તરત જ ઘરમાંથી નીકળી જવા માટે કહી દીધું. અને જો તે પાછી આવશે તો આત્મહત્યા કરવાની ધમકી આપી દીધી. યુવતીને નોકરીની પરવાનગી ન આપવા છતાં તે પતિ સાથે રહેવા ઈચ્છે છે. કાઉન્સેલરે જણાવ્યું કે, બંનેના પરિવાર દ્વારા હાલમાં જ તેમના સંબંધને સ્વીકારવામાં આવ્યા હતા. યુવતી હાલમાં પોતાના કુટુંબીજનો પાસે છે અને કરિયર પર ધ્યાન આપી રહી છે. ઉપરાંત વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.(૨૧.૮)

(8:52 pm IST)