Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

૪૦૦ કરોડનું ફિશરીઝ કૌભાંડ

પ્રધાન પુરૂષોત્તમ સોલંકી સામે વોરંટ ઇશ્યુ

૧૫ દિવસમાં કોર્ટમાં હાજર થવા ફરમાન

અમદાવાદ તા. ૯ : રાજયમાં ૪૦૦ કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં રાજયકક્ષાનાં મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઇશ્યૂ કરાયું છે. ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઇશ્યૂ કર્યું છે. ૧૫ દિવસમાં ગાંધીનગર કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન પણ પાઠવાયું છે.  તેમની આક્ષેપ છે કે તેમણે ટેન્ડર વિના માછીમારી ઇજારો આપ્યો છે. પરસોત્તમ સોલંકી કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ ઇશ્યુ કરાયું છે. ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીએ સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે પાઠવેલા સમન્સ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ ફગાવીને તેઓને ગાંધીનગર કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા ફિશરીઝ કૌભાંડમાં તેમની સામેના આક્ષેપો પર થઇ રહેલી કાર્યવાહી રદ કરવાની માંગને હાઇકોર્ટે ફગાવી હતી. મહત્વનું છે કે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટ દ્વારા પરસોતમ સોલંકી સામે ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રિપોર્ટના આધારે તેમને અને દિલીપ સાંઘાણીને સમન્સ પાઠવવામાં આવ્યાં હતાં.

ગઇકાલે એટલે શુક્રવારે ગાંધીનગરની એન્ટી કરપ્શન કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલીપ સંઘાણી અને તેમના વકીલો હાજર રહ્યાં હતા. પુરષોત્તમ સોલંકી કે તેમના વકીલ કોઈ પણ હાજર રહ્યાં ન હતા. જેને પગલે ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે, પુરષોત્તમ સોલંકીએ હાઈકોર્ટના હુકમનું પાલન નથી કર્યું જેથી તેમની સામે વોરંટ ઈશ્યૂ થવું જોઈએ. જેને પગલે જજ આર. એમ. વોરાએ મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઈશ્યૂ કરીને વધુ સુનાવણી બીજી માર્ચના રોજ મુલતવી કરી છે.(૨૧.૭)

(10:24 am IST)