Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વડોદરા હાઈવે ઉપર 'હનીટ્રેપ'ની માયાજાળ બીછાવી લૂંટ ચલાવતી ગેંગના બે આરોપી ઝડપાયા: ત્રણની શોધખોળ

પોલીસની ઓળખ આપી બળાત્કારના ગુનામાં ફસાવી દેવા ધમકી દઈ વેપારી પાસેથી રૂ,1,66 લાખ પડાવ્યા હતા

વડોદરાઃ વડોદરામાં પોલીસની ઓળખ આપી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી વેપારી પાસેથી રોકડા 1,66 લાખ પડાવી લેવાના ગુનામાં સમા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર હોઈ શોધખોળ આદરી છે. હનીટ્રેપ આ લોકોની મુખ્ય મોડસ એપરેન્ડી હતી.

 વડોદરામાં પાંચ સભ્યોની એક ગેંગ મહિલાની મદદથી છેલ્લા કેટલાક સમયથી લૂંટી રહી હતી.ગત તા; 4 ના રોજ આજવા-નિમેટા ગાર્ડન ખાતે ગેંગની સભ્ય એવી 35 વર્ષીય એક મહિલા રોડ પર ઉભી રહી એક્ટિવા પર આવી રહેલા વેપારી પાસે લિફ્ટ માગે છે. વેપારી મહિલાને જોઈને લિફ્ટ આપી દે છે.

 

 વેપારી મહિલાને લીફ્ટ આપીને જેવા થોડા આગળ વધ્યા કે રીક્ષામાં બેસેલા મહિલાના 4 સાથીદારોએ એક્ટિવાની પાછળ રીક્ષા દોડાવી અને વેપારીને અટકાવ્યા હતા. ત્યાર બાદ વેપારીને બળાત્કારના આરોપમાં જેલમાં ફીટ કરી દેવાની ધમકી આપી અને નાણાની માગણી કરી હતી. વેપારીએ સમાજમાં આબરૂ જવાની બીકે અને પોલીસની ઝંઝટમાં પડવાથી મુક્તી માટે આ ડુપ્લીકેટ પોલીસને રૂ.1 લાખ 66 હજાર જેવી રકમ આપી દીધી હતી. ગેંગ આ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી.

 જોકે, ગેંગને વેપારી પાસેથી વધુ રકમ મળશે એવી લાલચ જાગી હતી. આથી, આ ગેંગના બે સાગરીત સલીમ શેખ અને દાઉદ ઘાંચી ત્રણ દિવસ બાદ ફરી એકવાર નાણાની ઉઘરાણી માટે વેપારી પાસે આવી પહોંચ્યા હતા. વેપારી દાળમાં કંઈક કાળું છે એવું સમજી જતાં તેમણે પણ ગેમ રમી હતી અને આ બંનેને એક સ્થળે રૂપિયા લેવા બોલાવ્યા હતા. ત્યાર બાદ વેપારીએ પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે વેપારીની મદદથી છટકું ગોઠવીને નાણા પડાવતી આ ગેંગના બે શખ્સોને દબોચી લીધા હતા. 

સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી મહિલા સાથે ફસાવી દેવાનું કાવતરું ઘડી અને પોતાની પોલીસ તરીકે ઓલખ આપી નાણા પડાવતી ગેંગના બે આરોપી પોલીસની પકડમાં આવી ગયા છે, જ્યારે અન્ય બે આરોપી અને 35 વર્ષીય મહિલાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમા પોલીસે આઈ.પી.સી 388, 171, 120 (બી ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઝડપાયેલા 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ પણ મેળવ્યા છે.

(4:40 pm IST)