Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વર્તમાન સભ્ય-રાજયસભા સાસંદોને ટિકિટ નહી મળે

ચૂંટણીને લઇ કોંગ્રેસનો મહત્વનો અને મોટો નિર્ણય : વલસાડ બેઠક પરથી જીતે તે પક્ષની કેન્દ્રમાં સત્તા બનતીના ઇતિહાસથી રાહુલ ધરમપુરથી પ્રચારના શ્રીગણેશ કરશે

અમદાવાદ,તા.૮ : ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે કે, વર્તમાન ધારાસભ્યો અને રાજયસભા સાંસદોને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ નહી અપાય અને તેઓને આ ચૂંટણી નહી લડાવાય. તેના બદલે પક્ષ માટે કટિબધ્ધ અને નિષ્ઠાવાન ઉમેદવારોને કાંેંગ્રેસ દ્વારા તક પૂરી પાડવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના મહાસચિવો સાથેની બેઠકમાં આ મહત્વની સૂચના જારી કરી હતી. કોંગ્રેસના આ ખૂબ જ મહ્ત્વપૂર્ણ નિર્ણયને લઇ કોંગ્રેસની છાવણીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કારણે કે, કોંગ્રેસના આઠથી વધુ ધારાસભ્યો અને રાજયસભા સાંસદના ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી વળે તેમ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની પક્ષના મહાસચિવો સાથે યોજાયેલી બેઠકમાં ગુજરાત સહિત દેશના કોઇપણ રાજયમાં વર્તમાન ધારાસભ્યો અને રાજયસભા સાંસદને લોકસભાની ચૂંટણી નહી લડાવવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે. જેને પગલે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો અને રાજયસભા સંાસદોને ટિકિટ નહી મળે. એટલું જ નહી, જેઓ ત્રણથી ચાર વાર ચૂંટણી હારી ગયા હશે તેવા ઉમેદવારોને પણ ટિકિટ ફાળવાશે નહી. કોંગ્રેસ હાઇકમાન્ડના આ મહત્વના નિર્ણયને પગલે ગુજરાતમાં કોંગ્રેસના આઠથી વધુ ધારાસભ્યો અને રાજયસભા સાંસદના ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી વળે તેમ છે. જેને લઇ હાલ કોંગ્રેસની છાવણીમાં ભારે ચર્ચા શરૂ થઇ છે. બીજીબાજુ, ગુજરાતમાં વલસાડ જિલ્લાની બેઠકનો ઇતિહાસ અને સિરસ્તો ઘણો રસપ્રદ અને નોંધનીય રહ્યો હોઇ ભાજપ-કોંગ્રેસ દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ આ બેઠક પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ખાસ કરીને વલસાડની બેઠક જે પક્ષ જીતે તે પક્ષની કેન્દ્રમાં સત્તા બનતી હોવાના યોગાનુયોગ ઇતિહાસને લઇ કોંગ્રેસ દ્વારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની તા.૧૪મી ફેબ્રુઆરીએ વલસાડના ધરમપુર ખાતેથી લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરાય તે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વલસાડના ધરમપુર ખાતે ખાસ મુલાકાત પણ લીધી હતી. રાહુલ ગાંધીના પ્રચારના શ્રીગણેશથી કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા બનવાની આશા વ્યકત કરી હતી.

 

(9:17 pm IST)