Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કેટલ ફ્રી અમદાવાદ બનાવવા બધી ગાયો-ભેંસોને ચિપ હશે

રખડતા ઢોરની સમસ્યા નિવારવા મહત્વની કવાયત : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઢોર માલિકોના ઘેર જઇને ગાયો-ભેંસોને ચિપ લગાવી આપશે

અમદાવાદ,તા. ૮ : શહેરીજનો બિસમાર રસ્તા, અપૂરતી પાર્કિંગની સુવિધાથી થતી ટ્રાફિક જામની સમસ્યા ઉપરાંત રસ્તા પર અડ્ડો જમાવનારાં રખડતાં ઢોરના ત્રાસથી નગરજનોની સાથે સાથે અમ્યુકો સત્તાધીશોની પરેશાની પણ વધી રહી છે ત્યરો હવે ગુજરાત હાઇકોર્ટના આ મામલે કડક વલણને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા હવે અમદાવાદ શહેરને કેટલ ફ્રી બનાવવાની દિશામાં કવાયત હાત ધરાઇ છે. ખાસ કરીને શહરેમાં હવે તમામ ગાયો-ભેંસોને ડાબા કે જમણા કાન પાછળ વિઝ્યુઅલ ઇયર ટેગની સાથે-સાથે બાયોગ્લાસ કેપ્સ્યૂલમાં ફિટ કરેલી આરએફઆઇડી (રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન) ચિપ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. સૌથી મહત્વની અને નોંધનીય વાત તો એ છે કે, અમ્યુકોના કર્મચારીઓ ઢોરમાલિકોના ઘેર ઘેર જઇને ગાયો અને ભેંસોને આ ચિપ લગાવી આપશે. અમદાવાદમાં આશરે રપ,૦૦૦થી વધુ ગાય-ભેંસ સહિતનાં ઢોર છે. શહેરનો વિકાસ થવાની સાથે-સાથે ગામતળ વિસ્તારનો પણ મ્યુનિસિપલ હદમાં સમાવેશ થતો ગયો, પરિણામે રસ્તા પર રખડતાં ઢોરની સમસ્યા દિવસે દિવસે વકરતી ગઇ. અગાઉ રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવતાં સત્તાવાળાઓએ રસ્તા પર રખડતાં ઢોરને ઝબ્બે કરવાની કામગીરીને વધુ વેગવંતી કરવા ઓપરેશન રાઉન્ડ ધી ક્લોક શરૂ કર્યું હતું. રખડતાં ઢોરની અડફેટે આવીને ટુ-વ્હીલરચાલકો તેમજ વૃદ્ધો-મહિલાઓના જીવ જોખમમાં મુકાઇ રહ્યા હોઇ સત્તાધીશોએ હવે મુંબઇની જેમ અમદાવાદને કેટલ ફ્રી સિટી બનાવવાની કવાયત આરંભી છે. મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા શહેરીજનોને રખડતાં ઢોરના ત્રાસમાંથી છુટકારો અપાવવા ગાય-ભેંસને બારકોડ આધારિત ચિપની આગવી ઓળખ અપાશે. ગાય-ભેંસના ડાબા કે જમણા કાનની નીચે આરએફઆઇડી ચિપ બેસાડાશે, જે ૧પ આંકડાનો કોડ હશે, જેમાં પશુના માલિકનું નામ-સરનામું અને રજિસ્ટ્રેશનને લગતી માહિતીનો સમાવેશ કરાયો હશે. ઢોર ત્રાસ અંકુશ વિભાગના વડા ડો.પ્રતાપસિંહ રાઠોડે આ અંગે જણાવ્યું કે, તંત્ર દ્વારા પ૦,૦૦૦ આરએફઆઇડી ચિપ, પ૦,૦૦૦ ઇયર ટેગ અને વીસ કાર્ડ રીડર ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. શહેરનાં આશરે રર,૦૦૦ ઢોરનું રજિસ્ટ્રેશન થયું છે, જે માટે તંત્રને ૩૦૦૦ જેટલી અરજી મળી હોઇ તેના આધારે તંત્રની ટીમ ઘરે-ઘરે જઇને ગાય-ભેંસને આરએફઆઇડી ચિપ બેસાડવાની કામગીરી હાથ ધરશે. સત્તાવાળાઓ દ્વારા આરએફઆઇડી ચિપનો ડેટા ચકાસવા માટે વીસ કાર્ડ રીડર પણ ખરીદાશે. એક ચિપ માટે રૂ.૯પની તળિયાની કિંમત નક્કી કરાઇ છે, ઇયર ટેગ રૂ.૧૬માં પડશે, જ્યારે કાર્ડ રીડરની કિંમત રૂ.૪ર,૦૦૦ છે. આ ચિપ બેસાડવાની સાથે-સાથે દાણીલીમડાના ઢોર ડબ્બામાં ખાસ કંટ્રોલરૂમ ઊભો કરાશે. ચિપ બેસાડાયા બાદ રસ્તા પર પકડાયેલાં ઢોરના ડેટાને તંત્રના સેનિટરી સબ ઇન્સ્પેક્ટર કક્ષાના કર્મચારી કાર્ડ રીડરની મદદથી રીડ કરતાં તેનું ફીડબેક કંટ્રોલરૂમના સર્વરમાં જશે. આ ડેટાના આધારે ક્યા પશુપાલકનું આ ઢોર છે અને કેટલી વાર પકડાયું છે તેની વિગત જાણવા મળશે. જો કોઇ પશુપાલકનું ઢોર બેથી વધુ વખત પકડાયેલું જણાશે તો તેમની સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ હેઠળ કડક ફોજદારી પગલાં લેવાશે. ઇન્ટરનેશનલ કમિટી ફોર એનિમલ રેકોર્ડિંગ નામની જર્મનીમાં હેડકવાર્ટર ધરાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થાના ધારાધોરણ મુજબ ફ્રાંસની કંપની પાસેથી હાર્ડવેર-સોફટવેર સહિતની સંપૂર્ણ આરએફઆઇડીની કિટ ખરીદાય તેવી શક્યતા પણ તંત્રે દર્શાવી છે. હાલમાં રખડતાં ઢોરના કાનની પાછળ પાંચ વર્ષની ગેરન્ટી ધરાવતાં પ્લાસ્ટિકનાં ઇયર ટેગ લગાવાઇ રહ્યાં છે, હવે વધુ પ૦,૦૦૦ વિઝ્યુઅલ ઇયર ટેગ ખરીદાશે, જોકે ચિપ બેસાડ્યા બાદ રખડતાં ઢોરની ઓળખ આપોઆપ થવાની હોઇ શહેરીજનોને રખડતાં ઢોરના ત્રાસમાંથી છુટકારો મળશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા શહેરના પરિમલ ગાર્ડનથી નવરંગપુરા છ રસ્તા સુધીના રોડને કેટલ ફ્રી ઝોન જાહેર કરાયો છે, ત્યારબાદ તબક્કાવાર વિસ્તાર આવરી લેવાશે.

 

 

(9:05 pm IST)