Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સુરતમાંથી અપહરણ કરાયેલી બાળકી સચિન જીઆઇડીસીમાંથી મળી આવતા પરિવારજનોમાં આનંદ

સુરત: સુરતના ઉન પાટિયા વિસ્તારમાં 4 દિવસ અગાઉ અપહરણ થયેલી બાળકી સચિન જીઆઇડીસીમાંથી મળી આવતા પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બાળકીનું અપહરણ કર્યા બાદ તેને આણંદ લઇ ગયા હોવાની ચર્ચા ચાલી રહી હતી.

સુરતના ઉન પાટિયા વિસ્તારમાં 4 ફેબ્રુઆરીના રોજ 9 વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ હાથધરી હતી. જો કે, તેણીનો ક્યાંય પત્તો નહીં લાગતા પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અપહરણની ફરિયાદ નોંધતા જ ઉપરી અધિકારીની ટીમ દોડતી થઇ ગઇ હતી.

પોલીસ દ્વારા એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની 70 લોકોની ટીમ બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા આ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હતી. જો કે, બાળકીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેથી પોલીસે સોશિયલ મીડિયામાં બાળકીના ગુમ થયા અંગેની માહિતી આપી હતી. બાકમાં એકાએક ગત રાત્રે બાળકી સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં લાવારિસ હાલતમાં મળી આવી હતી. બાળકી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

બીજી તરફ પરિવારને બાળકી મળ્યાની જાણ કરતા તેઓમાં પણ ખૂશીનીલહે જોવા મળી હતી. બાળકીનું અપહરણ કરી તેને આણંદ લઇ ગયો હોવાની વાત ચાલી રહી હતી. પોલીસે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરતા અપહરણકારો ડરીને બાળકી છોડી ગયા હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.

(4:59 pm IST)