Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

યુવતિઓ વેચવાના કારસ્‍તાનમાં ઝડપાયેલી માયા 1.5 લાખમાં લગ્ન કરાવતી હોવાનું ખુલ્‍યુ

અમદાવાદ: રાજ્યમાં યુવતીને લગ્ન કરાવી વેચી મારવાના રેકેટમાં ઝડપાયેલી માયાનાં રિમાન્ડ દરમિયાન તેણે વધુ પાંચ યુવતીઓને લગ્ન કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી વિવિધ મુદ્દાની તપાસ માટે ઇસનપુર પોલીસે આરોપીના વધુ રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે માયાનાં વધુ બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. તો બીજી તરફ પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, યુવતીને ગોંધી રાખવા માટે કેફી પીણું પિવડાવવામાં આવતું હતું. બાદ પોલીસે આઇપીસીની કલમ 328નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. ઉલ્લેખનીય છે કે પરત આવેલી યુવતીએ માયા પર આરોપ મૂક્યો હતો કે અગાઉ અનેક વખત નશો કરાવતી હતી.

માનવ તસ્કરી કેસમાં મુખ્ય આરોપી માયાની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, છેલ્લા અઢી વર્ષથી તે આ રીતે યુવતીઓને વેચવાનું રેકેટ ચલાવતી હતી. તે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લગ્ન વાંછુક યુવકોને ફોટા બતાવી લગ્ન કરાવી રૂ. એકથી દોઢ લાખ લેતી હતી અને પછી યુવતીને પાછી બોલાવી લેતી હતી. ઉપરાંત જે યુવતીઓ તેની વાત માનવાનો ઇનકાર કરતી તેમને કેફી પીણું પિવડાવી બેભાન હાલતમાં ફ્લેટમાં બંધ કરી રાખતી હતી.

ગુરુવારે આરોપી માયાના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં સરકારી વકીલે વધુ રિમાન્ડની માગ કરતી અરજી અંગે રજૂઆત કરતા મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં આરોપીએ કાજલ નામની યુવતીના પાલનપુર, નમ્રતાના સોનાસણ ગામે તથા નિકીતાના મોરબી લગ્ન કરાવ્યા હતા. આ ઉપરાંત બે યુવતીના પણ લગ્ન આ રીતે પૈસા લઇ કરાવ્યા છે. તો લગ્ન કોની સાથે કરાવ્યા?, આરોપીએ ભોગ બનનારનું રીયા પટેલ નામનું બોગસ આધાર કાર્ડ કઢાવ્યું હતું, તે કેવી રીતે બનાવ્યું? અને કોની પાસે બનાવ્યું?,

આરોપી ભોગ બનનારને કેવું કેફી પીણું આપતા હતા? અને કોની પાસેથી લાવતા હતા? આરોપીઓ ભાડેથી મકાન રાખી યુવતીને રાખતા હતા, તો કઇ કઇ જગ્યાએ મકાન છે? અને કેટલી યુવતીઓને આ રીતે રાખી હતી? સહિતના મુદ્દે તપાસ કરવા વધુ સાત દિવસના રિમાન્ડની જરૂર છે. જોકે કોર્ટે આરોપી માયાનાં બે દિવસનાં વધુ રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાગડાપીઠ વિસ્તારમાંથી ગુમ થયેલી જલધિ નામની યુવતી મામલે સીબીઆઇ તપાસ કરી રહી છે. આ રેકેટ બહાર આવ્યા બાદ સીબીઆઇએ માયા સહિતના આરોપીઓની પૂછપરછ કરી હતી. જોકે, તે મામલે કશું જ બહાર આવ્યું નથી.

(4:59 pm IST)