Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાનની શક્યતા

મહુવા તાલુકામાં પલટાયેલા હવામાનથી કપરી સ્થિતિ : ચાલુ વર્ષે આંબાઓ પર મોટા પ્રમાણમાં આમ્રમંજરીઓ આવતા ખેડૂતોને કેરીનો પાક સારો ઉતરવા આશા હતી

બારડોલી, તા. : સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ વિસ્તારમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડતાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાથી ખાસ કરીને કેરી, શાકભાજી, જુવાર તેમજ ઘઉં સહિતના ઊભા પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

ગત રાત્રે સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શુક્રવારે રાત્રે અચાનક કમોસમી માવઠું થયું હતું. મહુવા તાલુકાનાં અનાવલ પંથકમાં પડેલા વરસાદી ઝાપટાંએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી હતી. ચાલુ વર્ષે આંબાઓ પર મોટા પ્રમાણમાં આમ્રમંજરીઓ આવી હોય ખેડૂતોને કેરીનો પાક સારો ઉતરવાની આશા હતી. પરંતુ થોડા દિવસ અગાઉ થયેલા કમોસમી માવઠા બાદ ગતરોજ ફરીથી માવઠું થતાં મોટા ભાગનો મોર કાળો થઈ ગયો છે. બીજી તરફ વરસાદથી મોર ખરી પડતાં કેરી પકવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અંતરિયાળ ગામોમાં નાના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ શાકભાજીના પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. કસમયના વરસાદને કારણે શાકભાજીમાં જીવાત પડવાની પણ સંભાવના છે.

ઉપરાંત ઘઉં અને શેરડીના પાકને પણ કમોસમી વરસાદથી મોટી અસર થશે. મોરને મોટાપાયે નુકસાનને કારણે કેરીના ભાવોમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે વખતે પણ કેરી રસિયાઓએ કેરી ખાવા માટે ખિસ્સા વધુ હળવા કરવા પડશે. બીજી તરફ ખેડૂતો હજી પણ વાતાવરણમાં સુધારો થાય તો મોટું નુકસાન ટાળી શકાય તેવી સંભાવના વ્યક્ત કરી રહયા છે.

(8:36 pm IST)