Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભાજપના ભવ્ય વિજયની કામના સાથે તેમને સોંપાયેલી જવાબદારી સુપેરે નિભાવવા નવનિયુક્ત ટીમનો નિર્ધાર

પ્રદેશ ભાજપની નવનિયુક્ત ટીમની પ્રથમ બેઠક યોજાઈ : આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને વ્યૂહરચનાની ચર્ચા

અમદાવાદ :પ્રદેશ ભાજપની નવનિયુક્ત ટીમની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને વ્યૂહરચના ઘડવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનારી ચુંટણીમાં પ્રદેશ ભાજપની નવનિયુક્ત ટીમે ભાજપના ભવ્ય વિજયની કામના સાથે તેમને સોંપાયેલી જવાબદારી સુપેરે નિભાવવા માટેનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

 ભાજપ પ્રદેશ મંત્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, આજ રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્”, ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા તેમજ પ્રદેશ ઉપપ્રમુખો, પ્રદેશ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

આજની આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પ્રદેશની નવનિયુક્ત ટીમે ભાજપના ભવ્ય વિજયની કામના સાથે તેમને સોંપાયેલી જવાબદારી સુપેરે નિભાવવા માટેનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

 કસવાલાએ જણાવ્યું હતું કે, નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓની બેઠકના પૂર્વે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ લીગલ સેલની પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, પ્રદેશ ચૂંટણી લીગલ સેલના કન્વીનર પરિંદુ ભગત તેમજ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આઠ હજારથી વધુ ઉમેદવારો જ્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવાના છે ત્યારે જિલ્લા અને મંડલ સ્તરે વ્યવસ્થાના આયોજન અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જ પ્રકારે આગામી ચાર દિવસમાં જિલ્લા સ્તરે લીગલ સેલની કાર્યશાળા યોજાશે તેમજ મંડલ સ્તરે ગ્રૂપ મીટિંગોનું આયોજન થશે અને આગામી ચૂંટણીઓના અનુસંધાને કાયદાકીય અને આચારસંહિતાને લગતી બાબતો અંગે સ્થાનિક સ્તરે માર્ગદર્શન આપવામાં આવશે.

(8:02 pm IST)