Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માધવસિંહ સોલંકી 4 વખત મુખ્‍યમંત્રી રહી ચૂક્‍યા હતાઃ પત્રકારથી મુખ્‍યમંત્રી સુધીની તેમની સફર રોચક હતીઃ બેબાક અંદાજ માટે જાણીતા હતા

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં મોટી ખોટ પડી છે. માધવસિંહ સોલંકીએ પોતાના કાર્યકાળમાં ખામ થિયરી લાવીને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવ્યો હતો. તેઓ ખામ થિયરીના જનેતા છે. ખામ થિયરીના તેઓ પિતામહ છે. તેમના કાર્યકાળમાં ગુજરાતમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી. તેમના નિધન પર પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

પત્રકારત્વથી કારકિર્દીની શરૂઆત કરનાર માધવસિંહ સોલંકી રાજકારણમાં જવા માંગતા ન હતા. પરંતુ નસીબ જ તેમને રાજકારણમાં ખેંચી લાવ્યું હતું. રાજકારણ સાથે તેમનો સીધો કોઈ સંબંધ ન હતો. માત્ર ભલામણના આધારે તેઓ રાજકારણમાં પહોંચ્યા હતા. એક પત્ર તેમના રાજકારણમાં આવવાનું નિમિત્ત બન્યો હતો. એક પોસ્ટકાર્ડના માધ્યમથી રાજકારણમાં તેમની એન્ટ્રી થઈ હતી. ગુજરાતના રાજકારણમાં તેમની સફળતાનું મુખ્ય કારણ જાતિગત સમીકરણ હતા, જેને તેઓએ પોતાના પક્ષમાં લાવવાની અદભૂત ક્ષમતા હતા. તેમના કાર્યકાળમાં આવેલું ખામ સમીકરણ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું.

દિવંગત માધવસિંહ સોલંકી ચાર વાર મુખ્યમંત્રી રહી ચુક્યા છે. પત્રકારથી મુખ્યમંત્રી બનવા સુધીની તેમની સફર રોચક રહી હતી. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તેમના બેબાક અંદાજ માટે જાણીતા હતા. તેઓ માનતા હતા કે કોંગ્રેસને ગુજરાતમાં જે નિષ્ફળતા મળી છે, તેના માટે દિલ્હીથી થતો દોરીસંચાર જવાબદાર છે.

આવી રીતે મળી ખામ થિયરી

ખામ એટલે કે ક્ષત્રિય (ઓબીસી), હરિજન, આદિવાસી અને મુસ્લિમ. ગુજરાતની રાજનીતિમાં જીતની આ થિયરી માધવસિંહ સોલંકીની દેણ છે. જોકે, એ વાત અલગ છે કે, તેઓએ પોતાના મોઢે ક્યારેય ખામ શબ્દનો ઉપયોગ કર્યો નથી. આ થિયરીના પાયા પર કોંગ્રેસ 1985ના વિધાનસભા ઈલેક્શનમાં રેકોર્ડ બ્રેક 149 સીટ જીતી હતી. માધવસિંહ સોલંકીના દિમાગમાં આટલું મજબૂત રાજકીય સમીકરણ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તે વિશે તેઓએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 1980ના લોકસભા ઈલેક્શનમાં ઈન્દિરા ગાંધી ઈલેક્શનના પ્રચાર માટે આવ્યા હતા. હું તેમની પાસે લોકસભા ઈલેક્શનના ઉમેદવારોના નામ માટે મંજરી લેવા પહોંચ્યો હતો. તેમણે મારા સૂચવેલા તમામ 26 નામ પર સહમતી વ્યક્ત કરી હતી. તેના બાદ મેં શિષ્ટાચારવશ પૂછ્યું કે, ‘મેડમ હજી કોઈ આદેશ.’ તેમણે મને કહ્યું કે, જુઓ હરિજન, આદિવાસી, પછાત વર્ગ, અલ્પસંખ્યક અને મહિલાઓ કોંગ્રેસનો સૌથી મોટો જનાધાર છે. તેને સારી રીતે મોબીલાઈઝ કરવા જોઈએ.

માધવસિંહ સોલંકીએ કહ્યું કે, તેઓેએ ક્યારેય ખામ શબ્દનો ઉપયોગ નથી કર્યો. પરંતુ તેના સમીકરણનો ખૂબ ઉપયોગ કર્યો. તે સમયે કાંતિલાલ ધિયાના નેતૃત્વમાં પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસથી બગાવત કરીને ઈન્દિરા ગાંધીની નેતૃત્વવાળી કોંગ્રેસ જોઈન કરી હતી. આ વિભાજને કોંગ્રેસના ચરિત્રને બદલી નાંખ્યુ હતું. અહીથી કોંગ્રેસનો વળાંક ધીરે ધીરે પછાત, દલિત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોની તરફ વધવા લાગ્યો. માધવસિંહ સોલંકી, જીનાભાઈ દરજી, અમરસિંહ ચૌધરી જેવા નેતાઓ ખુદ પણ આવા સમાજથી આવતા હતા. જીનાભાઈ દરજી અને અમરસિંહ ચૌધરીની સાથે તેમની તિકડીએ આરાજકીય કરિશ્માને અંજામ આપ્યો હતો. તેની શરૂઆત 1975 ના પંચાયત ઈલેક્શનથી થઈ હતી. 1980 ના લૉકસભા ઈલેક્શનમાં આ સમીકરણે કમાલ સર્જી હતી. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી 24 કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

આ સમીકરણને આધાર બનાવીને 1980નું વિધાનસભા ઈલેક્શન લડવામાં આવ્યું હતું. કોંગ્રેસના સૂબાએ જનતા પાર્ટી અને બીજેપીના સૂપડા સાફ કર્ય હતા. કુલ 182 સીટમાંથી કોંગ્રેસના ખાતામાં 141 સીટ ગઈ હતી. માધવસિંહ સોલંકી આ ઈલેક્શનમાં આણંદ જિલ્લાના ભાદ્રાં સીટ પર રેકોર્ડ 30378 વોટ થી જીત્યા હતા.

(5:30 pm IST)