Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદમાં ઉલ્‍ટી ગંગાઃ પુત્રના બદલે પુત્રી જોઇએ છે તેમ કહીને પરિણીતાને સાસરીયાઓ ત્રાસ આપતા આપઘાત

અમદાવાદ: પુત્ર મોહમાં સાસરિયાં પરિણીતાને મારઝૂડ કરતા હોય કે મ્હેંણા મારતા હોય તેવી અનેક ઘટના તમે જોઈ સાંભળી હશે, પણ વસ્ત્રાલમાં દીકરીનો જન્મ ના થતા સાસરિયાં પરિણીતાને ત્રાસ આપતા હોવાથી તેણે આત્મહત્યા કરી હતી. એક વર્ષના માસૂમ પુત્રની બર્થ ડેના બે દિવસ અગાઉ જ માતાએ આ પગલું ભર્યું હતું. ગત ગુરુવારે બનેલી આ કરૂણ ઘટના અંગે રામોલ પોલીસે મૃતકના પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલી પંચરત્ન આવાસ યોજનામાં 27 વર્ષીય ભાવનાબેન સાથે પતિ જીતુ વાઘેલા, સાસુ મણીબેન બાબુભાઇ વાઘેલા, દિયર ગૌતમભાઈ અને એક વર્ષનો પુત્ર કાયરવ સાથે રહેતા હતા.

ભાવનાબેનના લગ્ન પ્રદીપભાઈ સાથે ગત તા. 27-4-2018ના રોજ થયા હતા. લગ્નજીવનથી ભાવનાબહેનએ પુત્ર કાયરવને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મ વખતે સાસુએ મ્હેણું માર્યું કે મારે દીકરી જોઈતી હતી. દીકરી જણી ના શકાય તો મરી કેમ જતી નથી તેવા શબ્દો બોલ્યા હતા.

લગ્નના ત્રણ માસ બાદથી સાસુ નાની બાબતોએ તકરાર કરતા હતા. રસોઈ બાબતે ઝઘડો કરી વાંધાવચકા કાઢતા હતા. તારા ઘરેથી કઈ શીખીને આવી નથી તેવા મ્હેણા મારતા હતા. ગત 6-1 -2021ના રોજ ભાવનાબેને તેની બહેન રેખાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે, પતિ અને સાસુને 9મી જાન્યુઆરીએ પુત્ર કાયરવનો જન્મદિવસ હોવાથી પુત્ર માટે કપડાં અને ગિફ્ટ ખરીદવાનું કહેતા તેઓએ ઝઘડો કર્યો હતો.

બન્નેએ કહ્યું કે, તે દીકરો જણ્યો છે, તો તું તારા પિયરમાંથી લઈ આવ અને ના બનતું હોય તો ઘરમાંથી જતી રહે. મરી જજે પણ પાછી ના આવતી.આ રીતે ન બોલવાનું બોલે છે, હું તેમના ત્રાસથી કંટાળી ગઈ છું. પુત્ર કાયરવનો જન્મદિવસ હોવાથી તેનું મોં જોઈને બેઠી છું. નહી તો મને મરી જવાનું મન થાય છે.

રેખાબેનને ફોન કર્યો તેના બીજા દિવસે સવારે ભાવનાબેનએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પણ ડૉક્ટરોએ ભાવનાબેનને મૃત જાહેર કર્યા હતા. રામોલ પોલીસે મૃતક રેખાબેનના ભાઈ પ્રદીપ બાબુભાઇ સોલંકીની ફરિયાદ આધારે પતિ જીતુભાઈ વાઘેલા અને સાસુ મણીબેન વાઘેલા વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)