Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

લોકડાઉન બાદ અમદાવાદમાં ફરી શરૂ થયેલી BRTSની રોજની આવક 9.50 લાખ અને AMTSની 15 લાખે આંબી

AMTSની 650 બસો માર્ગોમાં ફરે છે અને BRTSની 220 જેટલી બસોનું સંચાલન થાય છે

અમદાવાદ : કોરોનાના કેસોમાં વધારો થતાં માર્ચ મહિનાથી સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.ગુજરાતમાં પણ લૉકડાઉનનો કડક અમલ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાથી બંધ BRTS અને AMTS બસની સેવા છેલ્લા ત્રણ મહિનાથી ફરીવાર શરૂ કરવામાં આવી છે. જેમાં બંને બસ સેવાઓની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

AMTSની રોજિંદી આવક 15 લાખ અને BRTSની રોજની આવકમાં 9 લાખ 50 હજાર રૂપિયા થઈ છે. શહેરમાં કોરોનાના કેસોને નિયંત્રણમાં લેવા માટે રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આજથી AMTS અને BRTSના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં આ બંને બસ સેવાઓ હવે સવારના સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આ બંને બસ સેવાઓની આવક ચાર લાખ રૂપિયાથી શરૂ થઈ હતી અને હવે ત્રણ મહિના બાદ તેમાં વધારો જોવા મળ્યો છે. જેથી હવે બસોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આજે શહેરમાં AMTSની 650 બસો શહેરના માર્ગો પર ફરી રહી છે. જેની આવક પણ ચાર લાખથી વધીને હવે 15 લાખ સુધી પહોંચી ગઈ છે. જ્યારે BRTS બસની આવક સાત લાખ રૂપિયા હતી તે વધીને રોજની આવક 9 લાખ 50 હજાર રૂપિયા થઈ ગઈ છે. હાલમાં શહેરમાં BRTSની 220 જેટલી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(11:01 am IST)