Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

પોપ્યુલર બિલ્ડર બેલડીની 1000 કરોડની મિલ્કત ઈન્કમટેકસે ટાંચમાં લીધી

ઇન્કમટેક્સની તપાસમાં અનેક કૌભાંડો ખુલ્યા : અમદાવાદની 600 કરોડ અને બહારની 400 કરોડ સહિત કુલ 1000 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી:22 લાખ સ્કવેર મીટર જમીન, 23 લોકર અને 2 કરોડના દાગીના મળ્યા છે

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલના એક પછી એક નવા કૌભાંડ બહાર આવી રહ્યા છે. થલતેજના વૃદ્ધ વેપારીની ઓફિસ ભાડે રાખી તેને પડાવી લેવાનું કાવતરુ રચનાર પોપ્યુલર બિલ્ડરના રમણ અને દશરથ સામે વસ્ત્રાપુરમાં નોધાયેલા ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પોતાની પુત્રવધુ ફીઝુની હત્યાની કોશિષ સહિતના પ્રકરણમાં સસરા રમણ પટેલ, તેમનો પુત્ર મૌનાંગ, દશરથ પટેલ અને વિરેન્દ્ર સાબરમતી સેન્ટ્રેલ જેલમાં હતા. વસ્ત્રાપુર પોલીસે ૩ કરોડની ઓફિસ પડાવી લેવાના કેસમાં તેમની ટ્રાન્સફર વોરન્ટ આધારે ધરપકડ હતી.

હવે અમદાવાદના કૌભાંડી પોપ્યુલર બિલ્ડર કેસ મામલે આવકવેરા વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરી ચોંકાવનારી વિગતો કહી છે. ત્યારે બિલ્ડરના 3 કરોડ 19 લાખ રૂપિયા પણ આવકવેરા વિભાગે સીઝ કર્યા છે. આ સાથે જ આ કૌભાંડીઓ પાસેથી 22 લાખ સ્ક્વેર ફૂટ જમીન પર મળી આવી છે. 100થી વધુ બેંક ખાતા પણ મળી આવ્યા છે. લોકર સાથે અસંખ્ય દસ્તાવેજ પણ મળી આવ્યા છે.

 ત્યાં જ આ કૌભાંડી બિલ્ડર પાસેથી બીજી જેટલી બેનામી મિલકતો હતી તેઓ અલગ-અલગ લોકોના નામે કરતા હતા અને કેટલી મિલ્કતો પર કેટલો ટેક્સ અને કેટલી લિક્વિડ મિલકત બતાવી તેનું પણ પ્લાનિંગ તેઓએ કરેલું હતું. આવકવેરા વિભાગે એવી પણ જાણકારી આપી કે, અત્યાર સુધીમાં તેઓને 204થી વધુ નોટિસ આપેલી છે. જેમાથી 49 બેનામી મિલકતો છે. આ દરમિયાન આવકવેરા વિભાગે એવી પણ જાણકારી આપી કે, સારંગ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે મંડળીની જમીન હતી. જ્યાં આ કૌભાડી બિલ્ડરે સોસાયટી બનાવી દીધી હતી. અત્યાર સુધીમાં આ બિલ્ડર બેલડી પાસેથી 1,000 કરોડની બેનામી જમીન મળી છે.

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર કેસમાં ઇન્કમ ટેક્સ વિભાગએ મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ઇન્કમટેક્સની તપાસમાં ચોંકાવનારા MOU પણ બહાર આવ્યા છે. આ લોકો બીજા લોકોના નામે જમીન અને મકાન ખરીદી MOUના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા હતા. પહેલા બેનામી લોકોને ઉભા કરી મેમ્બર બનાવ્યા પછી પોતાના પૈસા આપી જમીન મકાન ખરીદી કરાવ્યા હતા. જમીન માલિક બદલતા ગયા અને આખરે પૈસા અને જમીન ફરતા ફરતા પોતાની પાસે આવી જાય તેવું સેટિગ આ ભેજાબાજ લોકોએ કર્યું હતું. ખરીદનાર માલિકોની પાસે MOU કરી પાવર પોતાની પાસે રાખતા હતા. અને ડમી ખરીદનાર મલિકને પોતાના ત્યાં નોકરી રાખતા અથવા 1 ટકા કમિશન આપતા હતા. ઇન્કમટેક્સની તપાસમાં 1000 કરોડની પ્રોપર્ટી એટેચ કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. જેમા અમદાવાદની 600 કરોડ અને બહારની 400 કરોડ સહિત કુલ 1000 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે.

(9:41 pm IST)