Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સિધ્ધાર્થ એલિગન્સના રેસ્ટોરામાં ભયાનક આગ : ૧૧ને બચાવાયા

વડોદરાના નિઝામપુરા વિસ્તારની ઘટના : ફાયરબ્રિગેડે પહોંચી જઈને આગ ઉપર કાબૂ મેળવી લીધો, રેસ્ટોરન્ટ શરૂ થાય એ પહેલા જ આગથી જાનહાની ટળી

વડોદરા, તા. ૮ : વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રોઝ ગાર્ડન પાસે સિદ્ધાર્થ એલિગન્સ કોમ્પલેક્ષમાં પહેલા મજલે રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળતાં અફરા તફરી મચી ગઇ હતી. તંદૂરી ફ્લેમ્સ રેસ્ટોરન્ટમાં લાગેલી આગના કારણે કોમ્પલેક્ષની અન્ય ઓફિસોમાં ફસાયેલા ૧૧ જેટલા કર્મચારીઓને ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

અગ્નિશમન દળના સૂત્રોના જણાવ્યા અનુસાર નિઝામપુરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ એલિગન્સ કોમ્પલેક્ષના પ્રથમ માળ પર રેસ્ટોરન્ટ આવેલી છે. આજે સવારે રેસ્ટોરન્ટ શરૂ થાય તે અગાઉ તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગેની તંદૂર ફ્લેમ્સ રેસ્ટોરન્ટના માલિક શાહનવાઝ ખાનને જાણ થતાં તેઓએ તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે છાણી ટીપી ૧૩ પર આવેલા ફાયર સ્ટેશન પરથી ત્રણ ફાયર ફાયટરો સાથે લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. રેસ્ટોરન્ટ બંધ હોવાથી લોક કટરની મદદથી દરવાજા અને બારીના ભાગના સળીયા કાપીને અંદરના ભાગે જઈને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી  હતી.

રેસ્ટોરન્ટના રસોડામાં મૂકેલા એલપીજીના પાંચ સિલિન્ડર સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ધુમાડા અને આગની જ્વાળાઓને પગલે ગભરાઈ ગયેલા ૧૧ કર્મચારીને સુરક્ષિત સ્થળે બહાર કાઢ્યા હતા. કોમ્પલેક્ષનો વીજ પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો. છાણી ટીપી-૧૩ ફાયર સ્ટેશનના ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં ઇલેક્ટ્રીકલ ઉપકરણમાં મોટી ખામી સર્જાતા આગ લાગી હતી. રેસ્ટોરન્ટમાં તપાસ કરતા ફાયર સેફ્ટીના પુરતા સાધનો મળ્યા નહતા. જેથી રેસ્ટોરન્ટ માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. પંદર દિવસમાં ફાયર એનઓસી અને ફાયરના યોગ્ય અને પુરતા સાધનોના પુરાવા રજૂ કરવામાં જણાવ્યું છે.   આ કાર્યવાહી પૂરી નહી કરે તો તેમની સામે કડક કાર્યવાહી  પણ કરવામાં આવશે.  આ અંગે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જેના પગલે પોલીસ પણ સ્થળ પર ધસી આવી હતી.

(9:00 pm IST)