Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

લગ્નોમાં ક્યાંક જાનૈયા તો ક્યાંક પંડિત મોડા પડ્યા

ભારત બંધની અસર લગ્નો પર પડી : ભારત બંધના લીધે લગ્નોના કાર્યક્રમોના સમય ખોરવાયા

અમદાવાદ,તા.૮ : ખેડૂતો દ્વારા ૮ ડિસેમ્બરનું દેશ વ્યાપી બંધન એલાન આપવામાં આવ્યું હતું. જોકે, અમદાવાદમાં સિટી વિસ્તારમાં નાના મોટા વિરોધ પ્રદર્શન સિવાય કોઈ મોટી અસર વર્તાઈ નહોતી. પરંતુ એક તરફ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે તેવામાં જ આ બંધનું એલાન જાહેર થતા ૮ તારીખના લગ્ન પ્રસંગો ખોરવાયા હતા. હાઇવે તરફથી આવતા માર્ગો પર ચક્કાજામના પગલે ક્યાંક જાનૈયા તો ક્યાંક લગ્ન સમારંભમાં ગોર મહારાજ મોડા પહોંચતા યજમાનો અને મહેમાનોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. સામાન્ય રીતે કોઈપણ લગ્ન પ્રસંગમાં શરણાઈઓ વાગતી હોય, ઢોલ ઢાબુકતા હોય અને ચારેકોર ઉત્સાહ અને આનંદનો માહોલ હોય પરંતુ નિકોલ વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગનો માહોલ નિરસ જોવા મળ્યો. ૮ ડિસેમ્બરે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારના કાયદાને ખેડૂત વિરોધી અને કાળો કાયદો ગણાવી બંધનું એલાન જાહેર કરતા કન્યાપક્ષના લોકો ચિંતાતુર બન્યા. 

        કારણ જે હાઇવે પર ચક્કાજામ અને પ્રદર્શનોના કારણે લગ્ન પ્રસંગમાં જે સગાવહાલાં અને સ્નેહીજનો પહોંચવાના હતા તે પહોંચી શક્યા ન હતા. કન્યાના ભાઈ કૃણાલ પટેલે જણાવ્યું કે, ઘણા રિલેટિવસ ખેડૂત આંદોલનના કારણે પહોંચી શક્યા નથી. કારણ કે, રસ્તામાં ચેકિંગ બહુ જ છે. સવારે ૯ વાગે ગ્રહ શાંતિ થઈ જવી જોઈએ પણ સગાવહાલાં, ગોર મહારાજ મોડા પડતા તમામ વિધિ ૧ કલાક મોડી પડી હતી. બીજીતરફ લગ્ન ફોટોગ્રાફી કરતા ફોટાગ્રાફરને પણ  મુશ્કેલી પડી હતી. ફોટોગ્રાફર જીતુ સોજીત્રાએ જણાવ્યું કે, બંધના એલાનને કારણે મારી ટીમ સમયસર પહોંચી શકી નથી. સાત વાગ્યાની જગ્યાએ ૮ વાગે પહોંચ્યા.  જે લોકો આવી રહ્યા છે તેઓમાં ડરનો માહોલ, મહેસાણા તરફ લાંબી લાઈન છે અને પોલીસ  ચેકિંગ છે.

(7:27 pm IST)