Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કચ્છ રણોત્સવ ફેમ કૌભાંડી કુંભમાં બ્લેક લિસ્ટેડ, ગુજરાતના કોન્ટ્રાક્ટનું શું?

ગુજરાત સરકારની માનતી કંપની લલ્લુજી એન્ડ સન્સનું મસમોટું કૌભાંડ : કુંભમાં તંબુના કોન્ટ્રાક્ટમાં ૧૦૯ કરોડનું બિલિંગ કૌભાંડ આચરનારી કંપની લલ્લુજી એન્ડ સન્સ પાસે કચ્છ રણોત્સવમાં તંબુ સુવિધાનો કોન્ટ્રાક્ટ હોઈ આ સોદામાં પણ તપાસ અને નવા ટેન્ડરમાં બ્લેકલિસ્ટ કરવા માગ કરાઈ

અમદાવાદ, તા. ૮ : પ્રયાગરાજમાં ૨૦૧૯માં યોજાયેલા કુંભમેળામાં ટેન્ટનું કામ કરતી કંપની લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ૧૦૯ કરોડનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વાત બહાર આવતાની સાથે જ ગુજરાતમાં પણ આ કંપની દ્વારા કચ્છ રણોત્સવમાં તંબુ સુવિધાના કૌન્ટ્રાક્ટમાં કૌભાંડ આચર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા નકલી બિલ રજૂ કરીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કુંભ સમિતિ દ્વારા કરાયેલી ફરિયાદમાં જાણવા મળ્યું છે.

કચ્છ રણોત્સવમાં પણ કંપનીનો કોન્ટ્રાક્ટ

ગુજરાતમાં પણ આ કંપની પાસે જ અત્યંત મોંઘા તંબુ સુવિધા પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ હોઈ તેમાં પણ કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ ગુજરાત સરકાર કરશે કે કેમ એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આધારભૂત સૂત્રોના અનુસાર કચ્છ રણોત્સવમાં તંબુઓના ભાવ ખૂબજ મોંઘા અને સામાન્ય લોકોને પોસાય એવા હોતા નથી અને તેનો લાભ અમીરો જ વધુ લઈ શકતા હોઈ આ વ્યવસ્થામાં પણ ભાજપના જ નેતાઓના સહકારથી કૌભાંડ ચાલતું હોવાની વાતે જોર પકડ્યું છે.

કંપનીનો ભાજપના મોટા નેતાઓ સાથે ઘરોબો

અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લલ્લુજી એન્ડ કંપની ભાજપના અનેક મોટા ગજાના નેતાઓ સાથે ઘરોબો ધરાવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કંપનીનો આ સબંધોના જોરે જ કચ્છ રણોત્સવમાં પણ ટેન્ટ સુવિધા પુરી પાડવા માટે ખાસ્સી મોટી રકમ ચૂકવવામાં આવે છે. કુંભના કૌભાંડ બાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં એ વાતે જોર પરકડ્યું છે કે કંપની નેતાઓ સાથેની સાઠગાંઠથી મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવીને મોટા કૌભાંડ આચરે છે.

૨૦૧૯ના કુંભ મેળાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ આચર્યું

તાજેતરમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં અત્યંત પવિત્ર એવા કુંભ મેળામાં તંબુની સુવિધા અનેક વર્ષોથી લલ્લુજી એન્ડ કંપની દ્વારા જ આપવામાં આવતી હતી. જોકે, અંતે ૨૦૧૯ના મેળા દરમિયાન કંપનીએ ૧૦૯ કરોડના નકલી બિલ રજૂ કરીને ખોટી રીતે નાણાં મેળવ્યા હોવાનું જણાયું છે. સમિતિના અધિકારીઓના જણાવ્યા અનુસાર કંપની અને તેના ભાગીદારો દ્વારા ૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૯થી છ જુલાઈ ૨૦૧૯ની વચ્ચે ૧૯૬ કરોડના બિલ રજૂ કરવામાં આવ્યા હતા.

અંતિમ હિસાબમાં કૌભાંડ બહારઆવ્યું

આટલા મોટા બિલોને લીધે ચોંકી ગયેલી સમિતિએ આ બાબતે તપાસ કરતા ૮૬ કરોડના બિલ બરાબર હોવાનું તથા ૧૦૯ કરોડના વાઉચર અને બિલ નકલી હોવાનું જણાયું હતું. કંપનીએ ટેન્ટ સર્વિસના ખોટા બિલો રજૂ કરી પૈસાની માગણી કરી હતી. કંપની દ્વારા અલગ-અલગ સમયે ૧૭૧ કરોડ રૂપિયાનું પેમેન્ટ મેળવી લેવાયું હતું. જોકે, અંતિમ હિસાબ કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

કંપનીને બ્લેક લિસ્ટ કરાઈ

 કુંભ મેળા સમિતિના આયોજક દયાનંદ પ્રસાદે દારાગંજ પોલીસ સ્ટેશનમાં કંપની સામે પોલીસ ફરિયાદ કરાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાનમાં આ ઘટનાને પગલે પ્રયાગરાજ કુંભમેળા સમિતિ દ્વારા કંપનીને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે.

(7:24 pm IST)