Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિત અનેક કોંગ્રેસના નેતાની અટકાયત કરાઈ

ભારત બંધઃ ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ : ધરપકડ કરવા પહોંચેલી પોલીસને પરેશ ધાનાણીએ જો તેમને કોરોના થશે તો પોલીસની સામે ફરિયાદ કરવા ધમકી આપી : પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદ,તા.૮ : આજે કૃષિ કાયદાના વિરોધમાં મેદાનમાં ઉતરેલા ખેડૂતોએ બંધના એલાનની જાહેરાત કરી છે. આવામાં દિલ્હી સહિત મહારાષ્ટ્ર સહિત પંજાબ, રાજસ્થાન, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા અને ઝારખંડમાં વધારે અસર જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ હતીે તેવામાં ગુજરાતમાં પણ બંધની અસર જોવા મળી રહી છે. બંધને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે. અમરેલીમાં સ્કૂટર લઈને આવેલા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા વગેરે જગ્યાઓ પર બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વાર બંધને સફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમરેલીમાં બજારો બંધ કરાવવા માટે સ્કૂટર પર નીકળેલા પરેશ ધાનાણી સામે પોલીસે કાર્યવાહી કરી છે.

            અટકાયત દરમિયાન પોલીસ અને ધાનાણી વચ્ચે શાબ્દીક ટપાટપી પણ થઈ હતી. પોલીસ તેમની પાસે પહોંચી તો તેમણે કહ્યું કે મેં કોઈને બંધ કરવાનું નથી કહ્યું, આ દેશમાં બધાને વિરોધ કરવાનો અધિકાર છે. ધાનાણીએ એવું પણ કહ્યું કે, મને કોઈ અડવાની હિંમત ના કરતા, મને કોરોના થયો તો હું તમારી ઉપર ફરિયાદ કરીશ. પોલીસ અને ધાનાણી વચ્ચે દલીલબાજી ચાલી રહી હતી ત્યારે પોલીસે કહ્યું કે તમે હાથ ઊંચા કરીને દુકાનો બંધ કરાવી રહ્યા હતા આ રીતે કોઈના રોજગારને અટકાવી ના શકાય. પરેશ ધાનાણીએ પોતે એકલા નીકળ્યા હોવાની પણ દલીલ કરી પરંતુ અંતમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી અને તેમને પીસીઆર વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થનમાં ઉમટી પડેલા સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ તેમનો બચાવ કરતા પણ નજરે પડ્યા હતા. આ જ રીતે સુરતમાં પણ બજારોને બંધ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા હતા અને કેટલીક જગ્યાઓએ બળજબરી પૂર્વક બંધનું પાલન કરાવવા માટેના પ્રયાસ કર્યા હતા જેની સામે પોલીસે કાર્યવાહી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો કેટલાક વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે પણ વેપારીઓ બંધનું સમર્થન કરીને તેમાં જોડાયા હતા. સુરતના માન દરવાજાનું શાક માર્કેટના વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાયા હતા.

           શહેરમાં ધરણા કરી રહેલા કાર્યકર્તાઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વડોદરાની વાત કરીએ તો અહીં બંધનું પાલન ૧૧થી ૩ દરમિયાન કરવાની વાત હતી જેના બદલે સવારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવાના પ્રયાસ કર્યા હતા. સવારમાં ભારત બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેશનલ હાઈવે પર પહોંચ્યા હતા અને ટાયર સળગાવીને હાઈવેનો ટ્રાફિક જામ કરવાના પ્રયાસ કર્યા હતા. શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો બંધને મિશ્ર પ્રતિશાદ મળતો દેખાઈ રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો અહીં પણ કોંગ્રેસ શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા બંધને સફળ બનાવવાના પ્રયાસ કર્યા છે. માર્કેટ અને શોપિંગ સેન્ટરો બંધ કરાવવાની કોશિશ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને શહેર પ્રમુખની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં ઘણાં માર્કેટ યાર્ડ બંધ રાખીને ભારત બંધના સમર્થનમાં આગળ આવ્યા છે.

          મહત્વનું છે કે, ગુજરાતમાં ખેડૂત સંગઠનો દ્વારા બંધને ટેકો આપ્યાની ચર્ચા થઈ રહી હતી પરંતુ સોમવારે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં કશું બંધ નહીં રહે. આ દરમિયાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ બંધનું એલાન દેખાડો કરવા માટે આપ્યું છે. ગુજરાતના ખેડૂતોનો આંદોલનનો ટેકો નથી. કૃષિ કાયદા પાછા ખેંચવા યોગ્ય નથી. કોંગ્રેસ દર વખતે પોતાનું વલણ બદલે છે અને ખેડૂતોને ભ્રમિત કરવાનો કારસો રચે છે. ગુજરાતમાં પેટાચૂંટણીમાં આઠ બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો હતો. રાજ્યના ખેડૂતો કોંગ્રેસને સમર્થન આપી રહ્યા નથી. ગુજરાતમાં આવતીકાલે બધુ જ ચાલુ રહેશે. જો કોઈ બળજબરી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પરત લેવામાં આવે તેવી માગણી સાથે હજારોની સંખ્યામાં દિલ્હીની સરહદ પર ખેડૂતો એકઠા થયા છે અને મોદી સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, જેના ભાગ રુપે આજે બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. જોકે, ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો એકઠા ના થાય તે માટે કલમ ૧૪૪ પણ રાજ્યમાં લાગુ કરાઈ છે.

(7:23 pm IST)