Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ગિનિસ બુકમાં નામ નોંધાવવા ચીટિંગ !! :અમદાવાદના સાઇકલિસ્ટ વિવેક શાહ પર ફાસ્ટેસ્ટ સાઇકલ ચલાવવા મુદ્દે લાગ્યો ગંભીર આરોપ

સાઇકલિસ્ટ પર શંકા જતા તેની જાસુસી કરતા તે હૈદરાબાદ-બેંગ્લોર વચ્ચે કારમાં બેસતો જોવા મળ્યો

અમદાવાદના સાઇકલિસ્ટ વિવેક શાહ પર કાશ્મીરથી કન્યાકુમારી ફાસ્ટેસ્ટ સાઇકલ ચલાવવા મુદ્દે ચીટિંગનો આરોપ લાગ્યો છે. વિવેક શાહે 21 નવેમ્બરે શ્રીનગરથી રાઇડ શરૂ કરી હતી અને 7 દિવસ 12 કલાક 32 મિનિટમાં તેને પુરી કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, સાઇકલિસ્ટ પર શંકા જતા તેની જાસુસી કરવામાં આવી હતી અને તે હૈદરાબાદ-બેંગ્લોર વચ્ચે કારમાં બેસતો જોવા મળ્યો હતો.

85 સાઇકલિંગ ક્લબને એફિલિએશન આપનારી દેશની પ્રતિષ્ઠિત સાઇકલિંગ સંસ્થા ઓડેક્સ ઇન્ડિયા રેન્ડનર્સ તેમજ દેશના અગ્રણી સાઇકલિસ્ટે ભેગા મળીને એક જાસુસી એજન્સી રોકીને વિવેકે ચીટિંગ કર્યાનો દાવો કર્યો છે. ઓડેક્સ ઇન્ડિયા અને અન્ય સાઇકલિસ્ટે છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક પુરાવા સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા. ઓડેક્સ ઇન્ડિયાના ફાઉન્ડર ડાયરેક્ટર દિવ્યા તાટે, એવરેસ્ટ સમિટર ડો. મહેન્દ્ર મહાજન, કર્નલ ભરત પન્નુ, કબિર રાચુરે સહિતના દેશના અગ્રણી સાઇકલિસ્ટે હૈદરાબાદની જાસુસી એજન્સી રોકીને વિવેકનો પીછો કરાવીને તે કારમાં બેઠો બેઠો રેકોર્ડ કરી રહ્યો હોય તેવું પકડી પાડ્યુ હતું

ડો.મહેન્દ્ર મહાજને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફરિયાદ વિશે જણાવ્યુ કે, જો વિવેક પર્સનલ રાઇડ કરતો હોત તો અમને તેની કોઇ પડી નહતી. પરંતુ તે ગિનીસ બુક રેકોર્ડનો પ્રયત્ન કરતો હતો. જે શંકાનું કારણ બન્યો હતો. 26મીની રાત્રે તે હૈદરબાદ-બેંગ્લોર હાઇવે પર કારમાં બેસતો પકડાયો હતો. તેના ચીટિંગને પગલે તેના બે ક્રૂ મેમ્બર પણ તેનો સાથ છોડીને નીકળી ગયા હતા. અમે ગિનીસ બુકને વિવેક શાહના ભૂતકાળના ચીટિંગ અને આ રાઇડના ચીટિંગના તમામ પુરાવા આપ્યા છે.

(6:47 pm IST)