Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4 ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે “લોક અદાલત” જેવું તંત્ર ઉભું કરાશે

સચિવ જમીન સુધારણાના અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના: મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ

અમદાવાદ : મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા આ રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં પણ સરળ અને ઝડપી કાર્યવાહી થાય તે માટે લોકઅદાલત જેવા તંત્રથી ખાતાકીય તપાસના કેસોનો ઝડપથી નિકાલ થશે.                   
મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.17.07.2020 થી લોકઅદાલત જેવું તંત્રની શરૂઆત કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. જે અન્વયે મહેસૂલ વિભાગ હસ્તકના 33 જિલ્લા કલેકટરશ્રીઓ કક્ષાએ તેમજ સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રી, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પશ્રી તથા નોંધણી સર નિરીક્ષકની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરવામાં આવેલ છે.                      
 મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ઉપર મુજબ કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરવામાં આવી છે તે જ રીતે હવે સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-૩ અને વર્ગ-૪ ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોકઅદાલત જેવું તંત્ર ઉભું કરવા માટે મહેસૂલ વિભાગના તા.૦૨/૧૨/૨૦૨૦ના ઠરાવથી જમીન સુધારણા કમિશ્નરશ્રી અને હોદ્દાની રૂએ સચિવના અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મહેસૂલ વિભાગના અધિક / સંયુક્ત / નાયબ સચિવરી(તપાસ) આ સમિતિના સભ્ય અને મહેસૂલ વિભાગના અધિક / સંયુક્ત / નાયબ સચિવ(મહેકમ) આ સમિતિના સભ્ય સચિવ રહેશે.                     
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ કે જેઓને હળવી અથવા ભારે શિક્ષા કરવા માટે આરોપનામું બજાવવામાં આવેલ છે તેવા કર્મચારી બચાવનામું રજુ કરે તે તબક્કે આ ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ તેમનો કેસ રજૂ થાય તેમ ઇચ્છતા હોય તો તેઓને નિયત નમૂનામાં શિસ્ત અધિકારીને અરજી કરવાની રહે છે. શિસ્ત અધિકારીએ તે પરત્વે વિચારણા કરી કેસ સમિતિ સમક્ષ રજૂ કરાવવાનો નિર્ણય કરશે. આમ, તેમના કેસનો શિસ્ત અધિકારી અને કર્મચારીની પરસ્પરની સંમતિથી સત્વરે નિકાલ આવી શકે જેથી આ વ્યવસ્થાથી સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-૩ અને વર્ગ-૪ના સરકારી કર્મચારીઓ સામેના ખાતાકીય તપાસના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થશે તેમજ લાંબી પ્રક્રીયામાંથી મુક્તિ મળશે.

(6:26 pm IST)