Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

હિટ એન્ડ રન:ગાંધીનગર જિલ્લામાં ચિલોડા-નરોડા હાઇવે પર વૃદ્ધ દંપતીને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે ત્યારે ચિલોડા-નરોડા હાઈવે ઉપર બાઈક લઈને સૈજપુર બોગા જઈ રહેલા વૃધ્ધ દંપતિને લવારપુર બ્રીજ નજીક અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટે લેતાં વૃધ્ધાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતુ. જયારે વૃધ્ધને પણ ઈજાઓ પહોંચી હતી. આ મામલે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ માટે ડભોડા પોલીસે દોડધામ શરૂ કરી છે. 

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના સૈજપુર બોગા ખાતે રઘુવીર સોસાયટીના મકાન નં.એ/૦૬માં રહેતા રમેશભાઈ સોમાભાઈ વાણીયા નિવૃત જીવન ગુજારે છે. ગત અઠવાડીયે તેઓ તેમનું બાઈક નં.જીજે-૦૧-પીએક્સ-૦૧૫૮ લઈને તેમના વતન પ્રાંતિજ તાલુકાના સોમસણ ગામે ગયા હતા. તેમની ૬૮ વર્ષીય પત્નિ હંસાબેન પણ તેમની સાથે જ વતનમાં રોકાયા હતા અને ગઈકાલે આ વૃધ્ધ દંપતિ તેમના બાઈક ઉપર પ્રાંતિજથી ઘરે સૈજપુર બોગા જવા માટે નીકળ્યા હતા. સાંજના સમયે ચિલોડા-નરોડા હાઈવે ઉપર લવારપુર બ્રીજ ઉપરથી તેમનું બાઈક પસાર થઈ રહયું હતું તે સમયે બ્રીજ ઉપર બેરીકેટ પડયા હોવાથી બાઈક વાળતાં પાછળથી આવતાં ડમ્પરે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે પતિ-પત્નિ બન્ને જમીન ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે હંસાબેનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જયારે રમેશભાઈને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ તો આ મામલે ડભોડા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. 

(5:47 pm IST)