Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ગાંધીનગરના કલોલ તાલુકામાંથી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 12 બોટલ દારૂ જપ્ત કર્યો

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે સઈજ ગામમાં બાતમીના આધારે દરોડો પાડતાં પોલીસને જોઈ બુટલેગર નાસી છુટયો હતો. જો કે ઝાડી-ઝાંખરામાંથી પોલીસે વિદેશી દારૂની ૧ર બોટલ કબજે કરી હતી. આ સંદર્ભે પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી ફરાર થયેલા શખ્સની શોધખોળ શરૂ કરી છે.  

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી હાઈવે માર્ગો ઉપરથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને બુટલેગરો દ્વારા નાના મોટા ખેપિયાઓને દારૂનો જથ્થો પહોંચાડવામાં આવતો હોય છે અને ખેપિયાઓ દ્વારા તેનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે હાઈવે માર્ગો ઉપર પોલીસની વોચ અને સતત વાહનચેકીંગ કરવામાં આવતાં હવે બુટલેગરો અંતરિયાળ એવા નાના માર્ગોનો ઉપયોગ કરી રહયા છે. આવા શખ્સોને પોલીસ પકડી પણ રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સઈજ ગામના મોનાભા વાળા વાસમાં રહેતો ભાવેશજી બાબુજી ઠાકોર દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસ ટીમે સઈજ ગામમાં દરોડો કર્યો હતો. આ દરોડાના પગલે બુટલેગર પોલીસને જોઈને ભાગી ગયો હતો. ત્યારે પોલીસે આસપાસમાં ઝાડી-ઝાંખરામાં સંતાડેલી વિદેશી દારૂની ૧ર બોટલો કબ્જે કરી હતી. 

(5:46 pm IST)