Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ગાંધીનગરના ચ-રોડ પર કાર ચાલક યુવાનનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ખખડાવી બે બાઈક સવાર લૂંટારુ સોનાની ચેઇન તફડાવી છૂમંતર......

ગાંધીનગર: શહેરના સે-રર જ-ટાઈપ વસાહતમાં ૬૬/૭માં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા વિવેક જયપ્રકાશ મહેતા તેમની કાર નં.જીજે-૧૮-એએચ-૨૧૧૨ લઈને પખવાડીયા અગાઉ સે-૧૧માંથી ઘરે જઈ રહયા હતા તે દરમ્યાન ચ-રોડ ઉપર જિલ્લા પંચાયત પાસે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ ડ્રાઈવર સાઈડનો કાચ ખખડાવતાં તેમણે કાચ ખોલ્યો હતો અને કાંઈ વાતચીત કરે તે પહેલા એક વ્યક્તિએ વિવેકની ફેંટ પકડી લીધી હતી અને અન્ય શખ્સે તેણે ગળામાં પહેરેલો સોનાનો દોરો તોડી લીધો હતો. આ અંગે સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પીઆઈ એ.જે.ચૌહાણ અને તેમની ટીમે આરોપીઓને શોધવા માટે સીસીટીવીની મદદથી દોડધામ શરૂ કરી હતી ત્યારે ગઈકાલે એએસઆઈ રાજદીપસિંહ અને કો.મહાવીરસિંહ રાણાને બાતમી મળી હતી કે દોરો તોડનાર બન્ને આરોપી હાલ સે-ર૧માં હાજર છે જે બાતમીના પગલે વાવોલના સંગાથ લાઈફ એફ-૩૦૧માં રહેતાં પ્રદિપસિંહ વિક્રમસિંહ જાડેજા અને સે-૭ કાચા છાપરામાં રહેતા મેહુલ તળશીભાઈ સીરસીયાને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચેઈન સ્નેચીંગમાં વપરાયેલું બાઈક પણ કબ્જે કર્યું હતું અને સોનાનો દોરો પણ રીકવર કર્યો હતો. ઝડપાયેલા આરોપી પૈકી પ્રદિપસિંહ ગત તા.ર૩ ઓકટોબરે ઝુંડાલ પાસે કારમાં વિદેશી દારૂની ૬૮ બોટલ સાથે ઝડપાયો હતો અને તેણે પોલીસથી બચવા માટે તેણે કારમાં પોલીસ અને વિઝિલન્સનું ખોટું બોર્ડ પણ લગાડયું હતું. હાલ તો બન્ને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:46 pm IST)