Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ગાંધીનગરમાં કોર્પોરેશન વિસ્તારમાં આંતરિક માર્ગોમાં ભારે વાહનોની અવરજવર થતા સ્થાનિક રહીશોને અકસ્માતનો ભય વધ્યો

ગાંધીનગર:કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરાયેલાં વાવોલ ગામના વિકાસ પામી રહેલાં ન્યુ વાવોલમાં અસંખ્ય રહેણાંક વિસ્તાર આવેલાં છે. જ્યાં આગળ અનેક પરિવારો વસવાટ કરી રહ્યાં છે. સોસાયટી આગળ આવેલાં આંતરિક માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોની અવર જવર થવાના કારણે સ્થાનિક રહિશોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તો સતત વાહનોની અવર જવરને કારણે રહિશો પણ ત્રસ્ત થઇ ગયા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

વાવોલ ગામની આસપાસ વિકાસ પામી રહેલાં ન્યુ વાવોલ વિસ્તારમાં આવેલાં આંતરિક માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોની અવર જવર વધી જવા પામી છે. અડાલજ તરફથી આવતો ગામ તરફના માર્ગ ઉપર શાલીન-૩, ૪, ૫ અને સંકલ્પ રોયલ, નિલકંઠ વિલા તથા કિર્તીધામ સહિત અન્ય સોયાટીઓના આગળ આવેલાં આંતરિક માર્ગ ઉપર દિવસ રાત ભારે વાહનોની અવર જવર થઇ રહી છે. ગતિ મર્યાદા વધારે હોવાના કારણે સોસાયટીના રહિશોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ નાના બાળકો સહિત વડિલો પણ અવર જવર માટે આ માર્ગનો ઉપયોગ કરતાં હોય છે. આમ આંતરિક માર્ગો ઉપર પસાર થતાં ભારે વાહનો સ્થાનિક રહિશો માટે જોખમી બન્યાં છે. તો રાહદારીઓ અને અન્ય વાહનચાલકોને પણ અવર જવરમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સોસાયટીઓની આગળ આવેલાં આ માર્ગો ઉપરથી પસાર થતાં ભારે વાહનોને અન્ય માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

(5:44 pm IST)