Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સુરતમાં બંધની અસર નહીંવતઃ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોએ દેખાવો કરતા અટકાયતી પગલાઃ માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહ્યુ

સુરત: ભારત બંધના આહવાનને પગલે સુરતાં નહિવત પ્રતિસાદ જોવા મળ્યો. પણ સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે દેખાવો કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તો સાથે જ સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાને નજરકેદ કરવામાં આવ્યા છે. તો પાલિકાના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયાની અટકાયત કરવામાં આવી છે. 

સુરત એપીએમસી બંધમાં ન જોડાઈ

ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે, પરંતુ સુરત એપીએમસી આ બંધમાં નથી જોડાઈ. એપીએમસીનું કાર્ય રાબેતા મુજબ શરૂ છે. એપીએમસી ખાતે ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા પહોંચ્યા છે. બીજી તરફ, સુરત શહેરમાં તમામ બજારો રાબેતા મુજબ ચાલું છે. માર્કેટની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ ઘટના ન બને.

સુરતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સુરતમાં મહિલા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ દ્વારા આદર્શ ટેક્સટાઈલ માર્કેટ પાસે બેનર લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિરોધમાં ઉતરેલા કાર્યકર્તાઓએ રોડ પર  ઉતરીને રોડ બ્લોક કરાયો હતો. મહિલાઓ બેનર સાથે રોડ પર બેસી ગઈ હતી. આખો રોડ પર થોડી વાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે તમામ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.  તો ઉધના ત્રણ રસ્તા ખાતે કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો કર્યા હતા. ઉધના વિસ્તાર કોગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. સુરત APMC માર્કેટ બંધ કરાવવા કોંગી મહિલા કાર્યકરો પહોંચી હતી. પોલીસ દ્વારા 4 મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.

અનેક નેતાઓની અટકાયત

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તો સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પપન તોગડીયાની પણ વરાછા પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાની સલાબતપુરા પોલીસે અટકાયત કરી છે. તો કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા અને કોર્પોરેટર મમતા સવાણીની પણ અટકાયત કરાઈ છે. કોંગી કોર્પોરેટર નિલેશ કુંભાનીની પુણા પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. તેઓ APMC ના ચેરમેનની ઓફિસમાં ઘુસી ગયા હતા. સાથે જ તેમની કાર પણ ડિટેઈન કરાઈ છે.

સુરતના વરાછા મિનીબજાર ખાતે જનજીવન રાબેતા મુજબ દોડતું જોવા મળ્યું બંધની સીધી કોઈ અસર અહીં જોવા ન મળી. આ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો સુરતમાં ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ બંધ કરાઈ હતી. ઓફિસની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી. તેમજ વિરોધ કરનારા તત્વોને રાઉન્ડઅપ કરાયા છે.

(5:40 pm IST)